જામનગર જિલ્લાના જામજોધપુ૨માં ચાર દિવસ અગાવ માર્કેટીંગ યાર્ડના ગેઈટ પાસેથી એક વેપારીના હાથમાંથી રૂપિયા 20 લાખ ભરેલા થેલાની લૂંટ કરી બે શખ્સો બાઈક પર નાશી છૂટયા હતાં. દરમિયાન પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી. પરંતુ બન્ને શખ્સો નાશી જવામાં સફળ રહ્યા હતા ત્યારે જામનગર જિલ્લાની એલસીબી સહિતની પોલીસે શોધખોળ હાથ ધરીને બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
એલસીબીને ચોકકસ બાતમી મળી હતી કે, લૂંટારૂ શખ્સો ધોરાજીના જામકંડોરણા તરફના કાલાવડ માર્ગ પરથી બાઈક પર પસાર થઈ રહ્યા છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન પસાર થઈ રહેલા બે શખ્સોને ઝડપી તેમની પાસેથી લૂંટમાં ગયેલ રૂપિયા 18.50 લાખની રોકડ તેમજ મોટરસાઈકલ અને બે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતાં. ઝડપાયેલા બન્ને શખ્સોની રીમાન્ડ પર લેવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.
બે આરોપીઓની શોધખોળ શરૂ
જામજોધપુર માર્કેટ યાર્ડ પાસે ધોળે દિવસે રૂા.20 લાખના થેલાની ચકચારી ભરેલી લૂંટમાં એલસીબી પી.આઇ. જે.વી.ચૌધરી, પીએસઆઇ એસ.પી.ગોહિલ અને સ્ટાફે જામજોધપુર, ઉપલેટા,જામકંડોરણા, જેતપુર,સુરત, ગોંડલ અને ધોરાજીમાં શંકાસ્પદ શખ્સોની કરેલી તપાસ અને કાર્યવાહીને પગલે સુરત તેમજ સ્થાનિક શખ્સોની સડોવણી હોવાનું ખુલતા લૂંટને અંજામ આપનાર સુરતના એક શખ્સની અને અન્ય શખ્સની રૂા.18.50 લાખની રોકડ અને મોટરસાયકલ સાથે ધરપકડ કરી છે. જયારે અન્ય બે શખ્સોની શોધખોળ ચાલુ છે. ઉપરોકત ચારેય આરોપીઓ બનાવ પહેલા અને બાદમાં સતત સપર્કમા રહેલ હોવાનું તપાસમા ખુલ્યું હતું. ઝડપાયેલા બે અને ફરાર આરોપીઓમાંથી કેટલાક ગુનાહિત ઇતિહાસવાળા હોવાનું ખુલ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.