લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ:ઈરાદાપૂર્વક અકસ્માત સર્જી લોકો પાસેથી પૈસા પડાવતા બે શખ્સોની પોલીસે અટકાયત કરી

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર વ્યક્તિઓને પોલીસ સમક્ષ ફરિયાદ કરવા અનુરોધ

જામનગરના કેટલાક વિસ્તારોમાં બોગસ અકસ્માત સર્જી વાહનચાલકો પાસેથી પૈસા પડાવી લેવાતા હોવાની ઉઠેલી બૂમ વચ્ચે પોલીસે ખાસ ટૂકડીની રચના કરી શરૂ કરેલી તપાસમાં બે શખ્સ ઝડપાઈ ગયા છે. આ શખ્સોના કારનામાનો ભોગ બનેલા કોઈપણ વ્યક્તિને પોલીસ સમક્ષ આવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં પરિવાર સાથે જઈ રહેલા વ્યક્તિઓને કે એકલદોકલ વાહનચાલક સાથે પોતાનું વાહન ટકરાવી દઈ ખોટો અકસ્માત ઉભો કરી પૈસા પડાવવા માટે કેટલાક શખ્સો હરકતમાં આવ્યા હોવાની બૂમ ઉઠી છે. તે દરમ્યાન જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ બાબતની તપાસ માટે સિટી ડીવાયએસપી જે. એસ. ચાવડાને સૂચના આપતા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એલ. ગાધેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આર. એલ. ઓડેદરા તથા ઉદ્યોગનગર પોલીસચોકીના પીએસઆઈ આર. ડી. ગોહિલના વડપણ હેઠળ ખાસ પોલીસ ટૂકડીની રચના કરવામાં આવી હતી.

આ ટીમના હે.કો. ફૈઝલ ચાવડા, પો. કો. એમ. એમ. જાડેજાને બાતમી મળી હતી કે, આ પ્રકારના બોગસ અકસ્માત આચરી પૈસા પડાવતા બે શખ્સ શંકરટેકરીના રામનગરમાં આવ્યા છે. તે બાતમીના આધારે રામનગરમાંથી ગુલામે મુસ્તુફા બોદુ બ્લોચ ઉર્ફે લાલુ તથા સદ્દામહુસેન આદમ ખીરા નામના બે શખ્સની અટકાયત કરવામાં આવી હતી.આ બન્ને શખ્સની પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરાતા પોપટ બની ગયેલા આ શખ્સોએ ખોટી રીતે અકસ્માત સર્જી સામાવાળાને ધમકાવી નુકસાનીની રકમ આપવા અથવા પોલીસ કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવી લીધાની કબૂલાત આપી છે. બન્ને શખ્સની ધરપકડ કરાઈ છે. આ શખ્સો દ્વારા આવી રીતે કોઈ નાગરિક સાથે કૃત્ય આચરાયુ હોય તો તેઓને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તે માટે કોઈપણ નાગરિક સી ટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકશે.

ટોળકીનો ભોગ બનનાર વ્યક્તિએ પોલીસને જાણ કરવા અપીલ જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખોટો અકસ્માત ઉભો કરી પૈસા પડાવતી ગેંગ કાર્યરત છે, ત્યારે આવી ટોળકીને ભોગ બનેલી વ્યક્તિઓ કે જેઓએ નાણાં ચૂકવવાનો વારો આવ્યો છે, તેવા લોકોએ જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પી.આઈ. કે.એલ. ગાધે 9978909870 તેમજ પી.એસ.આઇ. આર.ડી. ગોહિલ 9824272093 અને પી.એસ.આઇ આર.એલ. ઓડેદરા 9824312342 નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...