પોલીસની સફળતા:જામનગરના ત્રણ યુવકોનું ઉત્તરપ્રદેશમાં અપહરણ કરી ખંડણી માંગનારાની પોલીસે ધરપકડ કરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડી આરોપીને દબોચી યુવકોને છોડાવ્યાં
  • આરોપીએ ધંધા માટે વધુ પૈસાની લાલચ આપીને લખનૌ બોલાવ્યાં હતા

જામનગરના ત્રણ યુવાનોનું કાનપુરમાં અપહરણ થયું હતું.

અપહરણકર્તાઓએ 20 લાખની ખંડણી માગી હતી. આ પ્રકરણને પગલે જામનગર પોલીસે કાનપુર પહોચી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યુ હતું. પોલીસે ત્રણેય યુવાનોને છોડાવી આરોપીને દબોચી લીધા હતા. ત્રણ યુવકો પૈકીના એક યુવક સાથે આરોપીએ શેર બજારના ટ્રેડીંગ વખતે થયેલી ધંધાકીય સબંધને લઈને બંનેએ વ્યવહારો કર્યા હતા. જેમાં ત્રણ યુવાનો પૈકી એક પાસેથી આરોપીને 18 લાખ રૂપિયા લેવાના હોવાનું સામે આવ્યું છે. આ રૂપિયા કઢાવવા અપહરણ કરાયું હતું. કાનપુર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં જામનગર પોલીસે સ્થાનિક પોલીસની મદદથી ઓપરેશન પાર પાડ્યું હતું.

જામનગરમાં ચકચાક બનાવની વિગત મુજબ, શહેરના કેયુર ઉર્ફે કિશન હરીશભાઇ હાડા, વિરલ ઉર્ફે ભોપલો નરેશભાઇ હાડા અને જતીન રમેશભાઇ પઢીયાર નામના ત્રણ યુવાનોને ઉતરપ્રદેશના ભગવાનસિંગ ઉર્ફે ચાચા અર્જુનસિંગ ચોહાણ નામના શખ્સે બોલાવ્યાં હતા. ઓછા મૂડી રોકાણમાં વધુ નફો થાય તેવો ધંધો કરવાની લાલચ આપી આરોપી ચાચાએ ત્રણેયને યુ.પી.ના લખનઉ મુકામે બોલાવ્યાં હતા.

આ દરમિયાન વિશ્વાસમાં આવી ગયેલા ત્રણેય યુવાનો લાલચે યુપી ગયા હતા. જ્યાં આરોપી ચાચાએ ત્રણેય યુવાનોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી, કિશનના મોબાઈલમાંથી તેના પરિવારને અપહરણની જાણ કરી છોડવા માટે રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી. આ બનાવના પગલે કિશનનો પરિવાર ગભરાઈ ગયો હતો અને તુરંત સીટી બી ડીવીજન પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપી ચાચા દ્વારા યુવાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી પરિવારને ફોન કરી વારંવાર તેઓની પાસે 20 લાખની માંગણી કરી હતી.

આ બનાવને લઈને એસપી અને એસએસપીએ અપહૃત યુવાનોને છોડાવવા માટે એક ટીમ રવાના કરવાનો પ્લાન કર્યો હતો. જેને લઈને સીટી બી ડીવીજન પોલીસની ટીમ જે તે મોબાઈલના લોકેશનના આધારે કાનપુર પહોચી હતી અને ત્યાં સ્થાનિક પોલીસને સમગ્ર વિગતો જણાવી ગુપ્ત ઓપરેશન માટે મદદ માંગી હતી.

આ દરમિયાન પોલીસે કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી ઓપરેશન પાર પાડી ત્રણેય યુવાનોને છોડાવી લીધા હતા અને એક મુખ્ય આરોપી એવા ભગવાનસિંહની ધરપકડ કરી હતી. આજે ત્રણેય યુવાનો સાથે કાનપુરથી પરત આવી એએસપીએ સમગ્ર વિગતો જણાવી હતી.

કિશન અને આરોપી ભગવાનસિંગ વચ્ચે ત્રણેક વર્ષ પૂર્વે પરિચય થયો હતો. શેર બજારના ટ્રેડીંગ થકી બંને નજીક આવ્યા હતા અને શેર બજારમાં ટ્રેડીંગ શરુ કર્યું હતું. સમય જતા કિશનને રૂપિયા 18 લાખ જેટલી મોટી રકમ ભગવાનસિંગને આપવાની હતી. જેની ઉઘરાણી નીકળી જાય એ માટે પૂર્વયોજિત કાવતરું રચી ભાગવાનસિંગે કિશનને ધંધાની લાલચ આપી કાનપુર બોલાવ્યો હતો. જ્યાં તેમનું અપહરણ કરી પરિવાર પાસે રૂપિયા 20 લાખની માંગણી કરી હતી. જેની સામે પોલીસે એક ડગલું આગળ રહી ઓપરેશન પાર પાડી મુખ્ય આરોપીને દબોચી લીધો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...