ભાસ્કર ફલેશબેક:પોલીસોએ ધડાધડ ગોળીઓ છોડી અને ફલ્લામાં 3 ખેડૂતો ઢળી પડ્યાં !

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ સ્થળે હતી ઉપવાસી છાવણી - Divya Bhaskar
આ સ્થળે હતી ઉપવાસી છાવણી
  • કંકાવટી ડેમના પાણીની માથાકૂટમાં લક્ષ્મણભાઈ બોડા, બાવનજીભાઈ નંદાસણા અને કમલેશ કાનાણીએ જીવ ખોયા હતા, ત્યારે’ય ડિસેમ્બરનો મધ્યાંતર ચાલતો હતો, એ ઘટનાને 21 વર્ષ પૂરા થયા

દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનની મિનિ આવૃત્તિ જામનગરે આજથી બરાબર 21 વર્ષ પહેલા જોઈ હતી. અત્યારે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન મંડાયું છે ત્યારે 1999ના ડિસેમ્બરમાં કંકાવટીનું પાણી સિંચાઈ માટે અનામત રાખવાની માંગ સાથે ફલ્લામાં સેંકડો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા, એ સમયે પણ કિસાનો પર દમન ગુજરાયો હતો અને પોલીસ ગોળીબારમાં 3 ખેડૂતોએ જીવ ખોયા હતા, એ ફલેશ બેકને હાલના ખેડૂત આંદોલનના સાપેક્ષમાં જોઇએ

ફલ્લા, રામપર, વાવડી, બારાડીના કિસાનો શા માટે રસ્તા પર ઉતર્યા હતા ?
1999માં જામનગર શહેરને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી. એ સમયે જે ડેમમાંથી પાણી અપાતું એ ડેમ મામલે માથાકૂટ થતાં ફલ્લાના કંકાવટી ડેમમાંથી જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવાનો નિર્ણય લેવાયો હતો. પણ, ફલ્લા, રામપર, વાવડી, બારાડી સહિતના ગામોએ તેનો વિરોધ કર્યો અને કંકાવટીનું પાણી સિંચાઈ માટે જ અનામત હોવું જોઇએ તેવો આગ્રહ રાખ્યો. પણ, તત્કાલિન તંત્રએ પોતાનું વલણ મક્કમ રાખતા ફલ્લા અને આજુબાજુના ગામલોકોને આંદોલન કરવાની ફરજ પડી હતી.

નવેમ્બરથી ભભૂકવા માંડી વિરોધની જ્વાળા
કંકાવટી ડેમનું પાણી જામનગરને ન આપીને સિંચાઈ માટે અનામત રાખવાની માંગ સાથે ફલ્લા પંથકમાં 1999ના નવેમ્બરથી જ વિરોધ શરૂ થઈ ગયો હતો. ઉપવાસ આંદોલનથી આ વિરોધની શરૂઆત થઈ. જામનગર કલેકટરને રજૂઆત કરાઈ. કિસાન સંઘે પણ એમા ઝંપલાવ્યું. આમ છતાં કોઇ નિવેડો આવ્યો નહોતો એમ જામનગરના વિજય ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું.

14 ડિસેમ્બરનો એ કાળો દિવસ, ફોનની લાઈનો બંધ કરી દેવાઈ હતી
લાંબા સંઘર્ષ પછી પણ કઈ નિર્ણય ન આવતા ખેડૂતોની ધીરજ ખૂટી અને 14 ડિસેમ્બર-1999ના રોજ ફલ્લામાં રસ્તા રોકો કાર્યક્રમ અપાયો. તત્કાલિન સરકારે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો અને હિંસક અથડામણ થઈ. પોલીસ ગોળીબારમાં લક્ષ્મણભાઈ ભવાનભાઈ બોડા, બાવનજીભાઈ વિરજીભાઈ નંદાસણા અને કમલેશ રાઘવજીભાઈ કાનાણીના મૃત્યુ થતાં સમગ્ર હાલારમાં હાહાકાર મચી ગયો હતો. ફલ્લાના રહીશ વિપુલ સંચાણિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, એ સમયે ફલ્લામાં ટેલિફોનની બધી લાઈનો પણ કાપી નંખાઈ હતી, અને મોબાઈલ તો હતા જ નહીં એટલે ફલ્લાનાે અન્ય ગામો સાથે સંપર્ક કપાઈ ગયો હતો.

જયસુખભાઈ બોડા (મૃતકના પુત્ર)
જયસુખભાઈ બોડા (મૃતકના પુત્ર)

પોલીસ અને મહિલાઓ વચ્ચે માથાકૂટ ચાલતી હતી તેમાં મારા પિતા વચ્ચે પડતા ગોળી વાગી ગઇ !
‘હનુમાનજીના મંદિર પાસે ઉપવાસી છાવણીમાં હું બેસવા જતો. પણ 14 ડિસેમ્બરે હું ઘરે જ હતો. મારા પિતાને પુલના છેડા પાસે ગોળી મારી દીધી હતી. એ સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે માથાકૂટ ચાલતી હતી ત્યારે કુદરતી હાજતે જવા નિકળેલા મારા પિતા આડા ફર્યા અને ગોળી વાગી ગઈ હતી. એ પછી શંકરસિંહ વાઘેલા, અભયભાઈ ભારદ્વાજ, રાઘવજીભાઈ પટેલ જેવા મોટા નેતા આવ્યા હતા.’ > જયસુખભાઈ બોડા (મૃતકના પુત્ર)

અન્ય સમાચારો પણ છે...