માસૂમ પર અત્યારચારનો મામલો:દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં માસૂમ પુત્રીને ડામ આપનાર સાવકી માતા સામે પોલીસ ફરિયાદ

જામનગર/ખંભાળિયા25 દિવસ પહેલા
  • ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી

ગુજરાતીમાં એક કહેવત છે કે, છોરું કછોરું બને પણ માવતર કમાવતર ના થાય. પરંતુ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક સાવકી માતાએ પોતાની પુત્રીને સામાન્ય બાબતે સજાના ભાગરૂપે ડામ આપતા ચકચાર મચી છે. ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ સાવકી માતા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.

માતાની જાણ બહાર પુરી અને લાડવો ખાવાની સજા મળી
ખંભાળિયામાં રહેતી 6 વર્ષીય બાળકીએ પોતાની સાવકી માતાને જાણ કર્યા વગર ઘરમાં રહેલો લાડવો અને પૂરી ખાઈ લીધા હતા. જે વાતથી તેની માતા નારાજ થઈ હતી અને માસૂમ બાળકીના શરીર પર બટકા ભર્યા હતા અને ગરમ તાવીથો કરી ડામ આપ્યા હતા.

પૌત્રી પર ગુજારેલા ત્રાસ બાદ દાદીએ વીડિયો બનાવ્યો હતો
પૌત્રી પર તેની સાવકી માતાએ જે ત્રાસ ગુજાર્યો હતો તેની પરિવારજનોને જાણ થાય તે માટે દાદી દ્વારા એક વીડિયો બનાવવામા આવ્યો હતો. આ વીડિયો વાઈરલ થયા બાદ પરિવારજનોએ ઘરમેળે સમાધાન કરી લીધાની વાત કરી હતી.

મામલાની ગંભીરતા જોઈ CWCએ ફરિયાદ નોંધાવી
​​​​​​​
પરિવારજનોએ ઘરમેળે સમાધાન કરી લીધાની વાત કરી હતી. પરંતુ, મામલાની ગંભીરતા જોઈ દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટીએ ભોગ બનનાર બાળકીની સાવકી માતા વિરુદ્ધ ખંભાળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાવકી માતાએ બાળકીનું ગળું દબાવી મારી નાંખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે ખંભાળીયા પોલીસે આરોપી સાવકી માતા વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 323, 506(2) તથા જુવેનાઇલ જસ્ટિટ એકટ 2015ની કલમ 75 મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ એમ.જે.સાગઠિયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...