જામનગર જિલ્લાના જોડીયામાં ગઈકાલે રાત્રિના અરસામાં એક કારમાં દારૂનો માતબર જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે જોડિયા પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બે કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી દારૂ ભરેલી કાર પોલીસની બેરીકેટ સાથે ટકરાઈ ગઈ હતી, અને કાર ચાલક તેમાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, પોલીસે કારમાંથી 396 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે કારમાંથી મળી આવેલા એક મોબાઇલ ફોનના આધારે બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.ડી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે કચ્છ તરફથી એક કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગર પહોંચાડવામાં આવી રહ્યો છે, અને જોડિયા રોડ પરથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં મોરાણા ગામના પાટીયા પાસે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
આ વોચ દરમિયાન ત્યાંથી જીજે 12 ડી.એ.8990 નંબરની એક કાર પસાર થતાં પોલીસે તે કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચાલકે કારને રોકયા વિના હંકારી દીધી હતી. જેથી પોલીસે તરત જ કારનો પીછો કર્યો હતો, અને બે કિલોમીટર સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન પોલીસે જોડિયાની ચેકપોસ્ટ પાસે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીને માર્ગની આડે બેરીકેટ મૂકી દેવાનું કહેતા રસ્તો બ્લોક કરાયો હતો. જેથી દારૂ ભરેલી કારનો ચાલક બેરી કેટીંગ ખાતે ટકરાઈ ગયો હતો, અને ત્યાં જ કાર છોડીને ભાગી છૂટ્યો હતો. દરમિયાન જોડીયા પોલીસે સ્થળ પર પહોંચી જઈ કારનું નિરીક્ષણ કરતા અંદરથી 396 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેનું ડિસ્પ્લે તૂટી ગયું હતું, જેથી પોલીસે મોબાઈલ ફોનને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપી તેમાં રહેલી કોલ ડીટેઇલ કઢાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.