તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધન્વંતરી જયંતીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં કાર્યરત ઇન્સ્ટિટયૂઓફ પોસ્ટ ગ્રેજયુએટ એન્ડ રિસર્ચ એન્ડ આયુર્વેદ, ગુલાબકુંવરબા મહાવિદ્યાલય અને ઇન્ડિયન ઇન્સ્ટિયુટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ ત્રણેય સંસ્થાને એક છત્ર હેઠળ લાવી તેના સાયુજય દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરી લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય લોકો માટે ગર્વની વાત છે કે WHOના વડાએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે દુનિયામાં માત્ર ભારતની પસંદગી કરી છે. હવે ભારતમાંથી દુનિયા આ દિશામાં કામ કરશે.
બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ છેઃ મોદી
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ધનતેરસની બધાને શુભકામના. આયુર્વેદને ધનવંતરીના દેવતા માનવામાં આવે છે. આજે ગુજરાતના જામનગરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. આયુર્વેદમાં ઉચ્ચ શિક્ષા, રિસર્ચ અને સ્કિલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી આ સંસ્થાને ખૂબ જ ધન્યવાદ આપું છું. મિત્રો, આયુર્વેદ ભારતની એક વિરાસત છે, જેના વિસ્તારમાં પૂરી માનવતાની ભલાય છે. આપણું પારંપરિક જ્ઞાન અન્યા દેશને પણ સમૃદ્ધ કરી રહ્યું છે. આજે બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ છે.
પારંપરિક જ્ઞાન પુસ્તકો અને શાસ્ત્રોમાં જ રહી ગયું છે
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જે પ્રકારે ભારતે ફાર્મસીમાં વિકાસ કર્યો છે એ પ્રકારે જ પારંપરિક ચિકિત્સાલયમાં પણ ગ્લોબલ વેલનેશનું સેન્ટર બનશે. આ સેન્ટર દુનિયાભરમાં ટ્રેડિશનલ મેડિસિનક્ષેત્રે બહુ જ મોટો ફાયદો કરાવવામાં સાબિત થશે. આયુર્વેદને દેશની આરોગ્ય નીતિએ મુખ્ય હિસ્સો બનાવ્યો છે. ભારતની પાસે આરોગ્યની સાથે જોડાયેલી કેટલી બધી વિરાસત છે, પરંતુ પારંપરિક જ્ઞાન પુસ્તકો અને શાસ્ત્રોમાં જ રહી ગયું છે. થોડુંક જ્ઞાન દાદી-નાનીના નુસખામાં રહેલું છે. આ જ્ઞાનને આધુનિક સ્તરે વિકસિત કરવું ખૂબ જ આવશ્યક છે.
આયુર્વેદના ચિકિત્સકોને એલોપથીનું જ્ઞાન પણ અપાશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન માટે સમગ્ર દુનિયામાંથી ભારતની પસંદગી કરવામાં આવી હોવાનું જણાવી ભારત પાસે આરોગ્ય સાથે જોડાયેલી આયુર્વેદ રૂપી બહુ મોટી વિરાસત છે. પરંતુ આ જ્ઞાન વધુ શાસ્ત્ર - પુસ્તકોમાં જ રહયું છે. આથી ૨૧ મી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરાયું છે. ભારતની નવી શિક્ષણ નીતિમાં પણ આરોગ્ય ચિકિત્સાઓમાં આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ થાય તે હેતુથી એલોપથીનો અભ્યાસ કરતા ચિકિત્સકો માટે પણ આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ચિકિત્સકોને પણ એલોપથીનું જ્ઞાન અપાશે.
સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે- મોદી
વધુમાં PM મોદીએ જણાવ્યું હતું કે કોરોનાના ઉપચાર માટે તબીબી જગતની તમામ ઉપલબ્ધ પદ્ધતિનો સમન્વય થઇ રહ્યો હોવાનું જણાવતાં કહ્યું હતું કે, આયુષ મંત્રાલય આજે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું મહત્વનું અંગ સાબિત થઇ રહ્યું છે, અને ભારતમાં પૌરાણિક અને આધુનિક તબીબી જગતનો સમન્વય થઇ રહ્યો છે. દેશમાં કાર્યરત વેલનેસ સેન્ટર પૈકી સાડા બાર હજાર સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પર આધારિત છે. સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે, તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું સ્વીકાર્યું હતું. ભારતની નવી શિક્ષણ નીતિમાં પણ આરોગ્ય ચિકિત્સાઓમાં આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ થાય તે હેતુથી એલોપથીનો અભ્યાસ કરતા ચિકિત્સકો માટે પણ આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ચિકિત્સકોને પણ એલોપથીનું જ્ઞાન આપવામાં આવશે. સસ્તી અને પ્રભાવી ચિકિત્સા સાથે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને વેલ નેસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી ભારત વિશ્વ માટે વેલ નેસનું કેન્દ્ર બનશે. કોરોના કાળમાં ભારતની આયુર્વેદ પદ્ધતિનો વિશ્વમાં પ્રભાવ વધ્યો છે, આયુર્વેદ દવાઓ નિકાસમાં વધારો થયો છે, આજે અનેક દેશો હળદર આદુ વગેરે જેવી ઔષધીય ગુણો ધરાવતા મસાલાઓની પણ ભારત પાસેથી વધુ પ્રમાણમાં આયાત કરી રહ્યા છે.
આયુષ મંત્રાલય દ્વારા 2016થી ધનતેરસના દિવસે આયુર્વેદ દિવસ ઊજવવામાં આવે છે
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5મા આયુર્વેદ દિવસને મોટે પાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવવામાં આવી રહ્યો છે. નરેન્દ્રભાઇ મોદી આજના દિવસે 5મા આયુર્વેદ દિવસ પર ભવિષ્ય માટે તૈયાર આયુર્વેદ સંસ્થા રાષ્ટ્રને સમર્પિણ કર્યું છે. આઇટીઆરએ જામનગર અને નેશનલ આયુર્વેદ ઇન્સ્ટિટયૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા આવેલી છે. આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધનવંતરી જયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઊજવે છે. ધનવંતરી જયંતીના દિવસે 2016થી દર વર્ષે આયુર્વેદ દિવસ ઊજવવામાં આવે છે. આયુર્વેદ દિવસ એક ઉત્સવ અથવા ઉજવણી કરતા વ્યવસાય તથા સમાજને ફરીથી સમર્પિત થવાનો પ્રસંગ છે.
આયુર્વેદ યુનિવર્સિટી આજે રાષ્ટ્રીય સ્તર પરની સ્વાસ્થ્ય સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઇ રહી છે- રૂપાણી
CM વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, દૈવી શક્તિ અને આસુરી શક્તિ દ્વારા સમુદ્ર મંથન કરાયું હતું. જેમાંથી લોકોના દુઃખ દૂર કરવા જેવી રીતે ભગવાન ધનવંતરીનું અવતરણ થયું હતું. તેવી જ રીતે ધનવંતરી દિને આજે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) સંસ્થાનું પણ અવતરણ થયું છે. જે જન સામાન્યની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ બની રહેશે. સાથે જ જણાવ્યું હતું કે સમાજના પ્રત્યેક વ્યક્તિ માટે આયુર્વેદ ઉપકારક રહ્યું છે, જેને ધ્યાને લઇ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદના વિકાસની સાથે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને આગળ વધારવા કરેલા સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે આજે આપણે આયુર્વેદ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી શક્યા છીએ.ભગવાન ધનવંતરીના મંદિર રૂપી જામનગરની આ આયુર્વેદ યુનિવર્સિટી આજે રાષ્ટ્રીય સ્તર ઉપરની સ્વાસ્થ્ય સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઇ રહી છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજકોટ ખાતે સ્થપાનાર એઇમ્સ અને જામનગરની આ આયુર્વેદ યુનિવર્સિટીને મળેલ 'રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન'નો દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મળેલી મોટી ભેટ છે.
આયુર્વેદના ત્રણ વિભાગનું એકીકરણ કરીને એક કરવામાં આવ્યું
આ સન્માન સાથે આયુષ વિભાગની કામગીરીનો લોકોમાં ખૂબ પ્રસાર જોવા મળ્યો છે. લોકો અલ્ટરનેટિવ મેડિસિન તરીકે ફરી આયુર્વેદ તરફ વળી રહ્યા છે ત્યારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ દ્વારા આયુર્વેદમાં સંશોધનની તકો વધશે. આયુર્વેદના ત્રણ વિભાગનું એકીકરણ કરીને એક કરવામાં આવ્યું છે, ત્યારે એને રાષ્ટ્રીય દરજજો મળતાં જામનગર પણ વિશ્વકક્ષાએ ઝળકી ઊઠ્યું છે. ઈ-લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.