જામનગરના શહેરમાં અંબર ચોકડી વિસ્તારમાં પાણીના પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. જેથી પાણીના ફુવારા ઉડ્યા હતા. જે ફુવારા સર્વિસ રોડ પર ફેલાઈ જતા રોડ પર પસાર થનારા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. તાજેતરમાં પરશુરામ જયંતીના દીવસે ચાંદી બજાર વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનો વાલ્વ તૂટ્યો હોવાથી ચાંદી બજારનો વિસ્તાર પાણીથી લથબથ બન્યો હતો, અને લોકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. ત્યારે વોટર વર્કસ વિભાગના તંત્રની ફરીથી બેદરકારી સામે આવી છે.
શહેરના અંબર ચોકડી નજીકના માર્ગ પર આજે સવારે વગર ચોમાસે વરસાદી માહોલ અને વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે. જામનગરના અંબર ચોકડીથી નાગનાથ સર્કલ તરફ જવાના માર્ગે નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી સર્વિસ રોડ બનાવ્યો છે. જે રોડની નજીકમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં આજે ભંગાણ સર્જાયું હતું, અને પાણીના ફુવારા ઉડયા હતા. જે પાણીના ફુવારા સર્વિસ રોડ પર ફેલાઈ ગયા હતા. જેનાથી રોડ પર પસાર થનારા વાહનોને હાલાકી વેઠવી પડતી હતી. અનેક વાહનોના કારણે ત્યાંથી અવર જવર કરનારા લોકોને પાણી ના છાંટા પણ ઉડી રહ્યા હતા. મહાપાલિકાના તંત્રને મોડે મોડેથી જાણ થતાં વોટરવર્કસ વિભાગનો સ્ટાફ પહોંચ્યો હતો, અને મરામતની કામગીરી શરૂ કરી હતી. ત્યાં સુધી અનેક લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.