ડિમાન્ડ:જામનગરમાં ફોટો ફ્રેમ, વુડન કટ અને પુન: ઉપયોગ કરી શકાય તેવી કંકોત્રી લોકોની પહેલી પસંદ બની

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન માટે સેલિબ્રેટી ઈન્વીટેશન અને યાદગીરી માટે સ્પેશિયલ વેવાઈ કંકોત્રીનો ક્રેઝ

જામનગરમાં લગ્નસરાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં આમંત્રણ સ્વરૂપે અપાતી કંકોત્રીમાં અપાર વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે લગ્ન માટે સેલિબ્રિટી ઈન્વીટેશન અને લગ્નની યાદી માટે સ્પેશિયલ વેવાઈ કંકોતરીની ખૂબ જ ડિમાન્ડ છે. કંકોત્રીમાં ફોટો ફ્રેમ કંકોત્રી, વુડન કટ અને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવી કંકોત્રી લોકોની પહેલી પસંદ હોવાનું જામનગરના કંકોત્રીના ધંધાર્થીઓએ જણાવ્યું છે.

કોરોનાકાળમાં લગ્નની સિઝનમાં પણ લોકો સાદગી અને સરકારી ગાઇડલાઈનને અનુસરી લગ્ન પ્રસંગ પુરા કરતા હતા. પરંતુ કોરોનાના કેસ તળિયે પહોંચતા અને લગ્ન પ્રસંગની સીઝન પુન: શરૂ થતા લગ્નની પરંપરામાં પણ બદલાવ જોવા મળ્યા છે. ખાસ કરીને પરંપરાગત કંકોત્રીમાં વિવિધતા જોવા મળી છે. લોકોમાં લગ્ન માટે સેલિબ્રિટી ઈન્વીટેશનનો ક્રેઝ વધ્યો છે. જેમાં લોકો પોતાના મનગમતા સેલિબ્રિટીના વિડિયો દ્વારા લગ્નનું આમંત્રણ આપી રહ્યા છે. જેમાં મુખ્યત્વે લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, અનુપમાના પાત્રો લોકો વધુ પસંદ કરી રહ્યા છે.

લગ્નની કંકોત્રીનું શુકન સાચવવા અને અંગત લોકોને આપવા જ છપાવી રહ્યા છે. ખાસ કરીને ફોટો ફ્રેમ કંકોત્રી, વુડન કટ અને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવી કંકોત્રી લોકોની પહેલી પસંદ બની છે. બજારમાં રૂ.10 થી 3500 સુધીની કંકોત્રી જોવા મળી રહી છે.

વેવાઈને વરવધુના ફોટા, લગ્નના મૂહુર્ત, મીઠાઇ સાથે કંકોત્રી આપવાનો હાલારમાં ક્રેઝ
લગ્નની યાદગીરી વર્ષો વર્ષ સુધી તરોતાજા રાખવા વેવાઈને એક અલગ જ કંકોત્રી આપવાનું ચલણ વધ્યું છે. આ કંકોત્રી એક મોટા બોક્સમાં હોય છે. જેમાં વરવધુના ફોટા, લગ્નના મુહૂર્તો સાથે ડ્રાયફ્રુટ, ચાંદીનો સિક્કો, મીઠાઈ સહિતની વસ્તુઓ મૂકવામાં આવતી હોય છે. આ કંકોત્રી માત્ર વેવાઈને આપવામાં આવતી હોવાથી તેને વેવાઈ કંકોતરી કહે છે.

લગ્ન બાદ સેલિબ્રિટીના વિડિયોની શુભેચ્છાનો ટ્રેન્ડ
લગ્ન બાદ નવપરણિત દંપતિના સંબંધી, તેના મિત્રો દ્વારા સેલિબ્રિટીના વિડિયોના માધ્યમથી શુભેચ્છાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ઇ-આમંત્રણમાં કેરી કેચર ઇન્વાઇટ કે જેમાં પરિવારના સભ્ય સાથેનો વીડિયો બનાવી તેમાં લગ્નની વિગતો મુકાય છે. ડેસ્ટિનેશન લગ્ન હોય તો ડેસ્ટિનેશનને હાઇલાઇટ કરી વિડિયો દ્વારા આમંત્રણ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...