દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન:ખંભાળિયાના બેહગામની નદીમાં PHCના ડોકટર તણાયા, સરપંચ અને SRD જવાનોએ બચાવ્યા

જામનગરએક મહિનો પહેલા
  • ધોધમાર વરસાદના કારણે બેહગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળઆઓ છલકાઈ ઉઠ્યા છે. બેહગામ પાસે કોઝવે પસાર કરી રહેલા PHCના ડોકટર તણાયા હતા. જેની જાણ ગામના સરપંચને થતા જ સરપંચ અને SRDના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ડોકટરે ધસમસતા પાણીના પ્રવાહમાંથી ઉગારી લીધા હતા.

ઝાડીના સહારે તબીબનો જીવ બચ્યો
કલ્યાણપુર તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે બેહ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. કોઝવે પરથી ધસમસતું પાણી જઈ રહ્યું હતું. બેહ PHCના ડોકટર બારા જવા નીકળ્યા હતા. આ સમયે કોઝવે પર ધસમસતું પાણી જઈ રહ્યું હોવાના કારણે ડોકટર તણાયા હતા. જો કે, કોઝવે નજીક જ ઝાડીઓ હોવાથી તે પકડી લેતા તેનો બચાવ થયો હતો.

સરપંચ અને SRD જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન કર્યું
બેહ PHCના તબીબ તણાયા હોવાની ગામના સરપંચને જાણ થતા જ ટ્રેકટર અને દોરડાઓ લઈ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યૂ માટે SRDના જવાનો પણ આવી પહોંચ્યા હતા. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ડોકટરને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી લેવાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

કોઝવે પાસે સૂચનાનો અમલ કરવો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોઝવે આવેલા છે. દરેક કોઝવે પર પાણીનું માપ પણ લખેલું હોય છે. ચોમાસા દરમિયાન કોઝવે પર પાણી જતું હોય ત્યારે પાણીનું લેવલ નીચું ઉતરે તેની રાહ જોવી.

અન્ય સમાચારો પણ છે...