વીજ દરોડા:જામનગર શહેરમાં PGVCL દ્વારા સતત બીજા દિવસે વીજ ચેકિંગ હાથ ધર્યું, સોમવારે 41 લાખની વીજ ગેરરીતિ ઝડપાઈ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં સતત બીજા દિવસે વીજ કંપની દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોમવારે 80 જોડાણોમાંથી 41 લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડવામાં આવી હતી. ત્યારબાદ આજે પણ અન્ય વિસ્તારોમાં વીજ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં પણ લાખો રૂપિયાની વીજ ગેરરીતિ બહાર આવવાની શક્યતા છે. વીજ કંપનીના દરોડાના પગલે વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

જામનગરમાં પીજીવીસીએલની વિવિધ વિભાગીય ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગર શહેર જિલ્લામાં થતી વીજચોરી અટકાવવા ફરી એક વખત વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ યોજાઇ રહી છે. આજે સતત બીજા દિવસે પીજીવીસીએલની પટેલ કોલોની, સાત રસ્તા, દરબારગઢ પેટા કચેરીઓ દ્વારા જામનગર શહેરના બેડી, ધરારનગર, ટીટોડીવાડી, વામ્બે આવાસ, વુલનમિલ રોડ સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 37 ટીમ 14 એસઆરપી જવાન, 23 લોકલ પોલીસ સહિતના કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં વિજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પીજીવીસીએલના વિવિધ સબ ડિવિઝન દ્વારા ગઈકાલે ખંભાળિયા ગેઇટ ડિવિઝન, નગરસીમ એસડીએન ઓફ સીટી-2 ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારો જેવા કે, નાગરપરા, કિસાનચોક, કાલાવડ નાકા બહાર, શંકરટેકરી, 49-દિગ્વિય પ્લોટ સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજચેકીંગ દરમિયાન 457 જેટલા વીજજોડાણોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે પૈકી 80 વીજજોડાણોમાં ગેરરીતિ જોવા મળતા 41.27 લાખના વીજપૂરવણી બીલ ફટકારાયા હતાં. આ વીજચેકીંગમાં કુલ 33 ટીમો જોડાઇ હતી. એસઆરપીના 13 જવાનો, 20 લોકલ પોલીસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા વીજ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...