અકસ્માત:પંજાબથી દ્વારકા દર્શન માટે જતા પદયાત્રીને અકસ્માત નડ્યો, મોટી ખાવડી પાસે નિદ્રાધીન યુવક પર ટ્રક ફરી વળ્યો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકસ્માતમાં એક યુવકનું મોત એક ઘાયલ

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, અને એક પાર્કિંગમાં સૂઇ રહેલા 3 પદયાત્રી પૈકીના 2 પદયાત્રીને એક ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા, જેમાં એક નિંદ્રાધીન યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક પદયાત્રીને ગંભીર ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ પંજાબના વતની સજાનંદજી સ્વામી રામગીરીજી મહારાજ કે જેઓ પંજાબથી પોતાના 3 થી 4જેટલા શિષ્યોને લઈને પદયાત્રા કરીને જામનગર તરફ આવ્યા હતા, અને જામનગર થી દ્વારકા ના દર્શનાર્થે નીકળ્યા હતા.

દરમિયાન ગઇકાલે મોડી રાત્રે મોટીખાવડી વિસ્તારમાં એક પાર્કિંગના એરિયામાં મંજુરી મેળવી ને સૂઈ રહ્યા હતા, જે દરમિયાન PB13 BA 1857 નંબરનો ટેન્કર ટ્રક ચાલક ત્યાં એકાએક ધસી આવ્યો હતો, અને પૂરપાટ વેગે ટ્રકના તોતિંગ વ્હીલ નિંદ્રાધીન રહેલા બે શિષ્યો પર ફેરવી દીધા હતા. જેના કારણે પંજાબ ના વતની એવા સાવન બીરબલ શર્મા નામના 18 વર્ષીય યુવાનને ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે તેની સાથે બાજુમાં સૂતેલા કેશવ સુભાસ શર્મા નામના યુવાનને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે.

આ આકસ્માત ના બનાવ અંગે સજાનંદજી સ્વામીએ પોલીસને જાણ કરતાં મેઘપરના પી.એસ.આઇ કોશીક સીસોદીયા તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે ગુરુ સ્વામીની ફરિયાદના આધારે ગુનો નોંધી ટ્રક ટેન્કરના ચાલકની અટકાયત કરી લીધી છે જ્યારે ટ્રક કબ્જે કરી લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...