જામનગરમા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મોડા ખાતે નવનિર્મિત ઊંચી ટાંકી (ઓવર હેડ ટેંક) નું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ટાંકી રૂ.25 લાખના ખર્ચે આગામી ટૂંક સમયમાં નિર્માણ પામશે જેના થકી મોડા ગામની પીવાના પાણીની સુવિધામાં ઉમેરો થશે.
આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ આજ દિન સુધીમાં આ વિસ્તારે વિકાસની હરણફાળ ભરી છે. રોડ-રસ્તા-પાણી વગેરે જેવા તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ વિસ્તારમાં પૂરની સ્થિતીમાં મુખ્યમંત્રીએ જાતે જ હાજરી આપી સ્થિતિની જરૂરી સમીક્ષા કરી વિસ્તારને માંગણી મુજબના વળતરની ચૂકવણી કરી છે. જ્યારે ટેકાના ભાવે ખરીદીનો યોગ્ય જથ્થો મંજૂર કરી સરકારે ખેડૂતોની સંતોષકારક ભાવે જણસની ખરીદી કરી છે. ખેડૂતો આત્મનિર્ભર બનશે તો જ દેશ આત્મનિર્ભર બનશે તેવી નેમ સાથે અનેક કૃષિલક્ષી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. આ પ્રસંગે વિકાસના કામો, સામાજિક કામો કે વ્યક્તિગત કામો માટે શક્ય તમામ પ્રકારે મદદરૂપ થવા મંત્રીએ તત્પરતા દર્શાવી હતી.
મંત્રી આ તકે મોડા ખાતે મોડપીર દાદાના પ્રાંગણમાં યોજાયેલ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થયા હતા તેમજ તેઓએ મંદિર પરીસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે હાપા એ.પી.એમ.સી. ના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઇ બોરસદીયા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ વિઠ્ઠલભાઈ, ડો.વિનુભાઇ ભંડેરી, મુકુંદભાઈ સભાયા, સરપંચઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.