તહેવારોમાં જ જોખમ:જામનગરમાં વાયરલ ઈન્ફેક્શનના રોજ 250 કેસોથી હાહાકાર

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં ધાબડિયુ વાતાવરણ તેમજ પાછોતરા વરસાદથી રોગચાળો ઉદભવ્યો
  • ​​​​​​​ફક્ત જી.જી. હોસ્પિટલમાં જ આટલા કેસો, ખાનગી હોસ્પિટલોના આંકડા તો જુદા : ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઇફોઇડ વકર્યા

જામનગર શહેર-જિલ્લામાં કોરોના ઠંડો પડ્યો છે. ડેંગ્યુ અને મેલેરિયાના કેસોએ ઉપાડો લીધો છે. હાલ જી.જી. હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ડેંગ્યુ અને મેલેરિયાના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. બીજી તરફ વાયરલ ઈન્ફેક્શને પણ શહેરને ભરડો લીધો છે. એક બાજુ મેડિકલ ઓપીડી 750ની આસપાસ પહોંચી છે તો અત્યાર સુધી સરકારી ચોપડે ડેંગ્યુ અને મેલેરિયાના 100 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા જુદી. જ્યારે વાયરલ ઈન્ફેક્શને શહેરને ભરડો લેતા 250 જેટલા રોજના કેસો ફક્ત જી.જી. હોસ્પિટલમાં આવી રહ્યા છે.

તબીબો આના માટે પાછોતરો વરસાદ અને પાણીનો ભરાવો તેમજ સિઝનને જવાબદારી ઠેરવે છે.દોઢેક વર્ષથી નાગરિકોમાં હાઉ ઊભો કરનારો કાળમુખો કોરોના માંડ ટાઢો પડ્યો છે. જેથી તંત્ર સહિત શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ રાહત અલ્પજીવી સાબિત થઇ હોય તેમ હાલ જામનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગચાળાની આફતના પડછાયા પડ્યાં છે. હાલ જામનગરમાં ડેન્ગ્યું ઉપરાંત વાયરલ, શરદીના કેસોમાં મોટાપાયે ઉછાળો જોવા મળી રહ્યો છે, જે દિવસેને દિવસે વધી રહ્યાં છે.

આથી જામનગરમાં જી.જી. હોસ્પિટલ જ નહીં નાના-મોટા દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનને પગલે હાલ અનેક ઘરોમાં માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે.શહેરમાં થયેલા પાછોતરા વરસાદ અને પાણીના ભરાવાના કારણે પાણીજન્ય રોગચાળાએ જન્મ લીધો છે જેના કારણે ડેંગ્યુ અને મેલેરિયાનાે પ્રકોપ વધ્યો છે. હાલ શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા છે તથા ખુલ્લા પ્લોટોમાં પણ વગર વરસાદે પાણીના પાટોળા ભરાયેલ છે.

જેમાં ડેન્ગ્યું અને ચિકનગુનિયાના વાયરસ ધરાવતા મચ્છરોના ઉપદ્રવથી ડેન્ગ્યું સહિત ઝેરી મેલેરિયા, ટાઇફોઇડ જેવા તાવના કેસો ચિંતાજનક રીતે વકરી રહ્યાં છે. જેનો બાળકો અને વૃધ્ધો વધુ શિકાર બની રહ્યાં છે. આ મચ્છરજન્ય રોગચાળો સામાન્ય રિતે ચોમાસની સિઝનમાં વધુ જોવા મળતો હોય છે. હવે જ્યારે ચોમાસું વિદાય ભણી છે ત્યારે ડિસેમ્બરથી આ રોગચાળામાં ઘટાડો આવશે તેવું તબીબોનું માનવું છે પરંતુ ત્યાં સુધી એટલે કે હજુ બે માસ તકેદારી રાખવી લોકો માટે જરૂરી છે.

ઓપીડીમાં ભારે વધારો થયો છે: ડો. મનિષ મહેતા
જી.જી. હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં મેડિકલ ઓપીડી 400ની આસપાસ હોય છે. જ્યારે હાલ મેડિકલ ઓપીડી 700 ઉપર પહોંચી છે જેમાં ફક્ત વાયરલ ઈન્ફેક્શનના 250થી વધુ દર્દીઓ આવે છે. દરરોજ 3થી 4 ડેંગ્યુના તેમજ 4-5 મેલેરિયાના કેસો પણ આવે છે.> ડો. મનિષ મહેતા, હેડ મેડિસિન વિભાગ, જી.જી. હોસ્પિટલ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...