શિક્ષક સંઘનું આવેદન:જિલ્લાની સરકારી શાળાના 402માંથી 230 શિક્ષકોને પૂર સર્વેની કામગીરીમાં જોતરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ પર ગંભીર અસર

જામનગરમાં સરકારી શાળાના 402 માંથી 230 શિક્ષકોને ભારે વરસાદથી થયેલા નુકસાનના સર્વેની કામગીરીમાં જોતરાતા ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ પર ગંભીર અસર પડી હોવાનું જણાવી મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. જામનગર મહાપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, ભારે વરસાદનાં કારણે નુકસાનીનો સર્વે કરવા શહેર મામલતદાર દ્રારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 402 માંથી 230 શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. તદઉપરાંત 25 શિક્ષકો અન્ય કામગીરીમાં રોકાયેલા છે.

આથી કુલ 255 શિક્ષકો સર્વે અને અન્ય કામગીરીમાં રોકાતા ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ પર ખૂબજ ગંભીર અસર પડી છે. જામનગર મહાપાલિકા વિસ્તારમાં જિલ્લા પંચાયતની શાળાના 300 શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સરકારી 50 શિક્ષકો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના 50 શિક્ષકો, ગ્રાન્ટેડ હાઇસ્કૂલના 150 શિક્ષકો, મહાનગરપાલિકાનો 1500 કર્મીઓનો સ્ટાફ, પંચાયત વિભાગ, કૃષિ વિભાગ, સિંચાઇ વિભાગ સહિત અન્ય કચેરીના સ્ટાફ મળી 2000 કર્મ ફરજ બજાવતા હોય ફકત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવાનો નિર્ણય અન્યાયકર્તા છે. આથી શિક્ષણ સમિતિના શિક્ષકોને તાકીદે આ કામગીરીમાંથી મુકત કરવા અને ભવિષ્યમાં આ પ્રકારના નિર્ણય ન કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...