જામનગરમાં આહિર એક્ટિવ ગ્રુપ દ્વારા 'સ્વ હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી 2022-23 ઓપન ગુજરાત ટેનિસ બોલ ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ફાઈનલ મેચ જાહલ ઈલેવન અને આરજી ઈલેવન સ્ટેટ ઓફ બારાડી વચ્ચે રમાયો હતો. જેમાં ખુબ રોમાચક મેચમાં અંતે જાહલ ઈલેવનને હરાવી આર.જી ઈલેવન ચેમ્પિયન બન્યું હતું.
ટૂર્નામેન્ટમાં 78 ટીમોએ ભાગ લીધો
જામનગરમાં આહિર એક્ટિવ ગ્રુપ દ્વારા 'સ્વ હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી 2022-23 ઓપન ગુજરાત ટેનિસ બોલ ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યભરના આહિર સમાજના ખેલાડીઓ માટે વર્ષ 2008થી સતત આ પ્રકારની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી આ ટૂર્નામેન્ટ રમાઈ હતી. જેમાં કુલ 78 ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં જાહલ ઈલેવન અને આરજી ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં આરજી ઈલેવને પ્રથમ બેંટિગ કરતા નિર્ધારિત 12 ઓવરમાં 93 રન બનાવ્યાં હતા. જેનો પીછો કરવા ઉતરેલી જાહલ ઈલેવન 84 રન જ બનાવી શકી હતી. જેથી આરજી ઈલેવને 9 રનથી મેચ જીતી ચેમ્પિયન બની હતી.
પૂનમબેન માડમના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ
ચેમ્પિયન બનેલી આર.જી. ઈલેવનની ટીમને સ્વ હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. ફાઈનલ મેચ જોવા માટે હજારોની ભીડ ઉમટી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમે યુવાઓને વધુમાં વધુ ખેલ તરફ જોડાવા અને વ્યસનથી દુર રહેવા અપિલ કરી હતી. તેમજ પૂનમબેન માડમે આ ટૂર્નામેન્ટનું સુંદર આયોજન કરનાર તમામ આયોજકોને બિરદાવ્યા હતા અને જુસ્સો પુરો પાડનાર પ્રસંશકો તેમજ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ટૂર્નામેન્ટનું આનંદ માડમ, રામભાઈ ભેટારીયા, ભરત બૈડીયાવડરા, મયુર આહિર, મહેશ ચાવડા સહિતના આયોજકોએ ભવ્ય આયોજન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ઓનલાઈન સ્કોરર તરીકે જયેશ ચાવડાએ સેવા બજાવી હતી. તેમજ વસંતભાઈ, જયદિપ કંડોરીયા અને શૈલેષ પ્રજાપતિએ આ સમગ્ર ટૂર્નામેન્ટમાં કોમેન્ટરી તરીકેની સેવા બજાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.