ધંધાર્થીઓનું ધ્યાન રાખવા માંગ:જામનગરમાં ઇંડા-નોનવેજની લારીઓ હટાવવા અંગે વિરોધ પક્ષે મધ્યસ્થ નિર્ણય લેવા મેયરને રજૂઆત કરી

જામનગર24 દિવસ પહેલા
  • ઈંડા-નોનવેજની લારીઓ હટાવવામાં આવશે તો ગરીબ લોકોની રોજી રોટી છીનવાઈ જશે: વિરોધ પક્ષ

જામનગરમાં ઈંડા-નોનવેજની લારીઓ જાહેર રોડ રસ્તા પરથી હટાવવા મામલે વિરોધ પક્ષ દ્વારા મહાનગરપાલિકાના મેયરને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરવામા આવી છે. જેમાં ગરીબ ધંધાર્થીઓને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ નિર્ણય લેવા માટે જણાવવામાં આવ્યું છે.

જામનગર સહિત રાજ્યના મહાનગરોમાં જાહેરમાં લાયસન્સ વગર ધમધમતી નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે મેયરે બિનાબેન કોઠારીએઆ અંગે તમામ કોર્પોરેટરોનો અભિપ્રાયો માગ્યો હતો. જ્યારે ભાજપના નગરસેવકોએ જાહેર રસ્તા પર ચાલતી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના મુદ્દે મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી, તો વિરોધ પક્ષ દ્વારા પણ આજરોજ મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વિરોધ પક્ષે આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જાહેર રોડ રસ્તા પર જે ઈંડા-નોનવેજની લારીઓ ચલાવે છે, તે ગરીબ લોકો છે. જો શહેરમાં તમામ ઈંડા-નોનવેજની લારીઓ હટાવવામાં આવશે તો ગરીબ લોકોની રોજી રોટી છીનવાઈ જશે. ત્યારે આ મામલે મધ્યસ્થ નિર્ણય મેયર દ્વારા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રાજકોટ, જૂનાગઢ સહિતના કેટલાક શહેરોમાં જાહેર માર્ગો ઉપરની માંસ-મટન-ઇંડા સહિતની ખાણી-પીણીની રેંકડી-કેબીનોના દબાણો હટાવવાનું શરૂ થયું છે. જામનગરના મેયર બિનાબેન કોઠારીએ આ અંગે ચુંટાયેલા કોર્પોરેટરોના મંતવ્ય-સુચનો અને ફરિયાદો મેળવી, તંત્ર સાથે સંકલન કરી એકશન પ્લાન ઘડી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ લોકોની સમસ્યા અને વિરોધનો અભ્યાસ કર્યા વગર કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપનો રાજકીય વિરોધ કરવા ખાતર કે અન્ય કોઇ કારણસર વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે અને આ મામલે આજે મેયરને એક આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં રજૂઆત કરાઇ છે કે, એક તરફ સરકાર નાના અને ગરીબ લોકોને રોજગારી માટે લોન અને સહાય આપે છે ત્યારે આ રેકડીઓને હટાવીને બેરોજગાર બનાવવાની કામગીરીથી સરકારની નીતિ સામે સવાલ ઉભા થાય છે. વડાપ્રધાન જો પકોડા વેચવાને રોજગાર ગણતા હોય તો ઇંડા વેચવાને રોજગાર કેમ ન ગણી શકાય ? કોર્ટના અનેક ચુકાદા છે કે, કાયદાથી જે-તે વ્યકિતઓ કે અસરગ્રસ્તોને વૈકલ્પીક જગ્યા ફાળવી બાદમાં હટાવવા જોઇએ તો શું કોર્ટથી પણ તંત્ર ઉપર છે ?

બીજી બાજુ હિન્દુ સેના દ્વારા અને હિન્દુ જાગરણ મંચ દ્વારા નોનવેજની રેંકડીઓ હટાવવા માંગણી કરવામાં આવી છે જેમાં તેમણે લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય, તાત્કાલિક પગલાં લઈ આવી રેંકડીઓ હટાવવાની માંગણી કરી છે.

નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી અથવા જનરલ બોર્ડમાં લેવાવાની શક્યતા
જામનગર સહિત ગુજરાતમાં નોનવેજની રેંકડીઓ બાબતે શરૂ થયેલા વિરોધ વંટોળમાં જામનગર શહેરમાં પણ ભારે વિરોધ ઉઠ્યો છે. ત્યારે મેયરે તમામ કોર્પોરેટરો પાસેથી મંતવ્યો માંગ્યા છે. આધારભૂત સૂત્રો જણાવે છે કે, રેંકડીઓ હટાવવા બાબતે અને ધાર્મિક સ્થળ નજીક પ્રતિબંધ મૂકવાનો નિર્ણય આગામી ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટી અથવા તો જનરલ બોર્ડમાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 10 કોર્પોરેટરો રેંકડીઓ હટાવવાની માંગણી કરી ચૂક્યા છે.

જામનગર શહેરમાં 90 ટકા રેંકડી મુખ્ય માર્ગો પર જ ખડકાયેલી હોય છે
જામનગર શહેરનાે એકપણ મુખ્ય માર્ગ એવો નથી કે જ્યાં નોનવેજની રેંકડીઓ ઉભી રહેતી ન હોય. ખાસ કરીને પવનચક્કી રોડ, જી.જી. હોસ્પિટલ, શરૂ સેક્શન રોડ, એસટી રોડ, જૂના રેલવે સ્ટેશન રોડ, રણજીતસાગર રોડ વગેરે મુખ્ય માર્ગો પર અસંખ્ય રેંકડીઓ ઉભી રહે છે. 90 ટકા રેંકડીઓ મુખ્ય માર્ગો પર ખડકાયેલી હોય છે. સાંજે 5 વાગ્યે અને તેઓ મુખ્ય માર્ગોને રોકીને બેસી જાય છે જે મોડીરાત સુધી ધમધમે છે.

અન્ય સમાચારો પણ છે...