ભ્રષ્ટાચારના આક્ષેપ:જામનગર મનપાની વિવિધ શાખામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ, વિપક્ષી સભ્યોએ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

જામનગર2 મહિનો પહેલા
  • ભૂગર્ભ, સોલિડ વોટર વર્કસ, સીવીલ શાખામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો વિપક્ષી સભ્યોનો આક્ષેપ

જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી સભ્યોએ મનપામાં અલગ-અલગ શાખામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં ભૂગર્ભ શાખા, વોટર વર્ક શાખા, સિવિલ શાખા સહિતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે કમિશ્નરને આજરોજ વિપક્ષી સભ્યો અને કોંગ્રેસના આગેવાનો તેમજ લોકોને સાથે રાખી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

શહેરમાં વિકાસના કાર્યો ચાલી રહ્યા છે તેમાં સૌથી નીચા ભાવે ટેન્ડર આવી રહ્યા છે અને અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની ભૂગોળ શાખામાં 40 થી 50ટકા નીચા ભાવ હોય તો કેમ કામ પૂર્ણ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, ભૂગર્ભ શાખા દ્વારા કામગીરી કરાવેલી છે તેમાં પાઈપ નાખેલા હોતા નથી? ચેમ્બર બનાવેલી નથી હોતી ? મેનોર બનાવેલા હોતા નથી? ઉંડાણપૂર્વક ખોદાણ કરેલું નથી હોતું ? આવા કામથી ભૂગર્ભનું પાણી રોડ પર આવે છે ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થાય છે અને કામની ગુણવત્તા જળવાતી નથી. જે અધિકારીની બદલી કરવામાં આવી હોય તેમ છતાં તે ત્યા જ કામ કરી રહ્યા છે બદલી કાગળ ઉપર થયેલ છે અને ત્યાં જ કામ કરી રહ્યા છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે.

જામનગર મહાનગરપાલિકાની વિવાદિત શાખામાં જે ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલી રહી છે તેમાં 75 ટકા જેટલી ગાડી ચાલે છે અને કચરાનો વજન ઘટવાને બદલે વધી રહ્યો છે. ત્યારે બંધ રહેતી ગાડીઓના પણ બિલ બને છે. અધિકારીઓની મિલીભગતથી ફક્ત બિલ બને છે. તેમજ કચરાની ગાડીમાં વજન તો સરખો જ રહે છે તે પણ તપાસ થવી જોઇએ. વધારાના કરોડો રૂપિયા મંજૂર કરેલા અગાઉ અને જે તે સોલિડ વેસ્ટના અધિકારી તે અગાઉ ભ્રષ્ટાચાર બાબતે અગાઉના કમિશનરે તેને સસ્પેન્ડ પણ કરેલા હતા હાલમાં આ અધિકારી કચરાના એજન્સીની સાથે મળીને જામનગર મહાનગરપાલિકામાં જે કચરાનો કાંટો થાય છે.જે કચરામાં કેરળ પથ્થર નાંખી વજન કાટો વધારી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને કાંટામાં ખોટી ચિઠ્ઠી કાઢી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બંધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં આક્ષેપ સાથે વધુમાં જણાવાયું હતું કે, વોટરપાર્ક શાખામાં વોર્ડ નંબર એકમાં પાણીના ટાંકે જે અધિકારી છે તે અધિકારી દ્વારા પાણીના ટાંકા રાત્રે અને વહેલી સવારે ખાનગી કંપનીમાં મોકલે છે તેના આધાર પુરાવા અમારી પાસે છે તો આ પાણી વોર્ડ નંબર એકમાં લોકોને પહોંચાડવાનું છે કે ખાનગી કંપનીને તે પાણીનું વિતરણ રાતે 12 વાગ્યે કરે છે તે નિયમિત દિવસે કરવા પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની શહેરમાં વિકાસના કાર્યમાં ભાગ ભજવતી શાખા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મોદી સ્કૂલથી ટીટોડી વાડી સુધી મેટલ રોડ તથા બે કિલો મીટરની આરસીસી કેનાલની સભ્યોએ એક ટેન્ડર નકલ માંગી હતી તે આજ દિવસ સુધી આપી નથી.આ કામમાં લોખંડ કેટલુ લેવામાં આવ્યું હતું અને સાઇડ ઉપર કેટલું વાપરવામાં આવેલ છે. રૂપિયા 8 કરોડનું આ કામ મંજૂર થયેલું હતું જેમાં 2.5 કરોડ વધારી આપવામાં આવ્યા હતા. તેમના ટેકનિકલ કારણો જણાવવા વિનંતી ઉપરની વિગતોની ખરી નકલ આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને આ કામમાં પણ ભ્રષ્ટાચાર થયેલો હોય તેવા આક્ષેપ કરાયા હતા. તેમજ જણાવાયું કે, કોના કહેવાથી 2.5 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને વધારી આપવામાં આવ્યા.

શહેરમાં ડામર પેચ વર્કનું કામ ચાલી રહ્યું છે જેમાં એજન્સી દ્વારા કરવામાં આવેલા અંદાજીત 80 લાખનું કામ હતું તે કામ કરવા માટે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યા છે અને આ જ કામ માટે રૂપિયા 31 લાખ વધારાના મંજુર કરેલ છે. જે પેચ વર્કનું કામ કાગળ ઉપર વધારે અને સ્થળ ઉપર ઓછું કામ કરાવી અને ભ્રષ્ટાચાર થયેલો છે તે તમામ કામો અધિકારીને પત્ર લખી માહિતી માંગી હતી જે આજ દિવસ સુધી માહિતી મળી નથી. આ કામ ની એમબી અને ઓડિટ બિલની નકલ પણ આપવાની માંગણી કરવામાં આવી હતી. આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે. બીજી તરફ વિપક્ષી સભ્યોએ જો કોઈ યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એસીબી કચેરીમાં તમામ વિગતો આપી તપાસ કરવા રજૂઆત કરાશે તેવું અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...