દૂષિત પાણીથી માછલાના મોત?:જામનગરના એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા તળાવમાં અસંખ્યા માછલીઓના મોત

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૅ એન્ડ યુઝ ટોયલેટનું ગંદુ પાણી તથા અન્ય બાયો વેસ્ટના નિકાલના કારણે મોત થયાનું અનુમાન

જામનગરમાં એસટી બસ સ્ટેશન પાસે આવેલા તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયાનો મામલો સામે આવતાં જીવદયા પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. પૅ એન્ડ યુઝ ટોયલેટના ગંદા પાણીના નિકાલ તેમ જ બાયોમેડિકલ વેસ્ટ સહિતના કચરાને કારણે માછલીઓના મૃત્યુ થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

જીવદયા પ્રેમીઓમાં રોષ
જામનગરના એસ.ટી ડેપો પાસેના તળાવના પાણીના ભાગમાં આજે હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામેલી અવસ્થામાં જોવા મળી હતી, જેથી જીવદયાપ્રેમીઓમાં હાહાકાર મચી ગયો છે. માછલીઓના મૃત્યુની પાછળ તળાવનું પાણી પ્રદુષિત બન્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

તળાવમાં ઠલવાય છે પે એન્ડ યુઝ ટોયલેટની ગંદકી
એસટી ડેપો પાસે આવેલું પૅ એન્ડ યુઝ ટોયલેટ કે જેની તમામ ગંદકી તળાવમાં ઠલવાય છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં કેટલાક દવાખાનાઓ પૈકીનો મેડિકલ બાયો વેસ્ટનો પણ અહીં નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. જેના કારણે તળાવનું પાણી અતિ પ્રદૂષિત બન્યું છે,અને માછલાઓ મોતને ભેટી રહ્યા છે. જે મામલે મહાનગર પાલિકાના તંત્રએ તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓમાં માંગણી ઉઠી છે.

અગાઉ લાખોટા તળાવમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં માછલા મર્યા હતાં
જામનગરમાં અગાઉ પણ તળાવમાં માછલાના મૃત્યુ નિપજયાના બનાવ બની ચૂકયા છે. શહેરમાં સ્ટેપ ગાર્ડન સામે આવેલા તળાવમાં પાણી ઓછું થવાથી ઓક્સિજન લેવલ ઘટતા માછલાના મૃત્યુ થયાનું જે-તે સમયે પ્રાથમિક તારણ પર્યાવરણવિદોએ વ્યકત કર્યું હતું. પરંતુ તળાવમાં પાણી ઘટવા છતાં મહાપાલિકા દ્વારા કોઇ પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...