અંગદાનથી 5 લોકોને નવજીવન મળશે:જામનગરની નિધિને અકસ્માત નડ્યા બાદ બ્રેઈનડેડ જાહેર કરાઈ, પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહાલસોયી દીકરીને ધામધૂમથી પરણાવવાની પરિવારજનોની ઈચ્છઆ અધૂરી રહી

જામનગરમાં રહેતા શ્રીવાસ્તવ પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ ,વહાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલ નિધિના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધિ હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઇ રહી હતી.જામનગરથી વારાણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધિના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હશે. સગાઇથી લઇ કપડાની ખરીદી, ઠાઠ-માઠ થી લગ્ન કરવાની તડામાર તૈયારીનું મોજુ મનમાં ફરી ગયું હશે.આ તમામ વચ્ચે એકાએક કિસ્મતનું વંટોળ આવ્યું અને સોનુલાલને પિતા કહેનારી દીકરી તેમનાથી વિખૂટી પડી ગઇ.

જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની દીકરી નિધિને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન ક્ષણ માટે પણ એમ નહોતું લાગ્યું કે નિધિ જીવન ટૂંકાવી દેશે. પરંતુ વિધાતાએ નિધિના લેખ કંઇક અલગ જ સ્યાહીથી લખ્યા હશે. 4 દિવસની સધન સારવારના અંતે નિધિને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી.

બ્રેઇનડેડ થયા બાદ નિધિના પિતાએ પોતાની દીકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. નિધિ, શ્રીવાસ્તવ પરિવારથી જૂદી તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારની અભિન્ન અંગ બની ગઇ. અંગદાનમાં મળેલ નિધિનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. નિધિતો શ્રીવાસ્તવ પરિવારથી છૂટી પડી પરંતુ અન્ય 5 વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત 25ને નવજીવન આપી ગઇ. કેમકે અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યુ અને આખાય પરિવારના સંધર્ષનો કદાચિત અંત આવ્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આ ભાવૂક ક્ષણે ભાવસભર સ્વરે કહે છે કે, નિધિ જેવા કેટલાય નવયુવાનો કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતુ તેઓ વિધીના લેખ આગળ ઘૂંટળીયા ટેકી ગયા. પરમાત્માં સામે તો કોઇનુંય ચાલતુ નથી. પરંતુ હા પરમાત્માની મરજી બાદ પરિવારજનોનો આત્મા જ્યારે અંગદાનની મંજૂરી આપે છે ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે.

નિધિના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 62 અંગદાતાઓના અંગદાન થી મળેલા કુલ 195 અંગોથી 173 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. થોડા દિવસ અગાઉ અંગદાન વિષે લખતી વખતે અંગદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સ્વાસ્થયકર્મીને અંગદાનની પ્રક્રિયા દરમિયાનની સંવેદનશીલ ક્ષણ વિશે પૂછતા પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આઇ.સી.યુ.માં કોઇ યુવાન દર્દીનું મૃત્યું કે તે બ્રેઇનડેડ થાય છે તે અમારા માટે વધું લાગણીસભર ક્ષણ હોય છે. જીવનના ગણતરીના વર્ષો વિતાવ્યા હોય, જિંદગીને જીવતા હજૂ તો શિખ્યા હોય અને ત્યાં જિંદગી મૃત્યુ સમીપે પહોંચી જાય તેનાથી દુ:ખદ વળી શું હોઇ શકે ?

અન્ય સમાચારો પણ છે...