ચૂંટણી:નવી મતદાર સ્લિપમાં મથકના ગુગલ મેપ, સૂચનાનો સમાવેશ

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નામ, જાતિ, ચૂંટણી કાર્ડ નંબર, સંબંધનું નામ સહિતની વિગતો દર્શાવી હશે

ચૂંટણી પંચે વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે અગાઉ આપવામાં આવતી મતદાર ફોટો કાપલીની જગ્યાએ હવે મતદાર માહિતી કાપલીનું વિતરણ કરવાનું નકકી કર્યું છે. જે સ્લિપની આગળની બાજુએ મતદારોનાં નામ, જાતિ, ચૂંટણી કાર્ડ નંબર, સંબંધનું નામ, મતદાન મથકનો ભાગ નંબર અને નામ, મતદાર યાદીમાં ક્રમ નંબર, મતદાન મથકનું સરનામુ, મતદાનની તારીખ અને સમય વગેરે વિગતો દર્શાવેલ હશે. જયારે મતદાર માહિતી કાપલીની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ અને મતદારો માટેની અગત્યની સૂચનાઓ દશાર્વેલી હશે.

જો કે, મતદાર માહિતી કાપલીમાં મતદારનો ફોટો છાપેલો હશે નહીં અને તેનો માન્ય ઓળખ પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. મતદાન અર્થે મતદાન મથકે આવનારા તમામ મતદારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે ચૂંટણી અથવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા 12 પૈકી કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે.

જેમાં આધારકાર્ડ, મનરેગા જોબકાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર હેઠળ આરજીઆઈ દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર કે રાજ્ય સરકારના જાહેરસાહસો, પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, સંસદસભ્ય, ધારાસભ્ય, વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...