તપાસનો ધમધમાટ:500 કરોડના ડ્રગ્સ કેસમાં નવો ખુલાસો, જે બોટમાં ડ્રગ્સ લવાયું હતું તે બોટ ATSની ટીમે સચાણાથી કબ્જે કરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે સવારથી જ ATSની ટીમ જાવીદને સાથે રાખી સચાણા આવી હતી
  • કરોડોની કિંમતનું ડ્રગ્સ વેચી માર્યું હોવાની વિગતો સામે આવી
  • ઝીંઝુડામાંથી ડ્રગ્સ પકડાયું તે પૂર્વે પણ 10 કિલો ડ્રગ્સ વેચી મારવામાં આવ્યું હતું

દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગર સહિત ત્રણ જિલ્લાને સાંકળતા એક હજાર કરોડ ઉપરાંતના ડ્રગ્સ પ્રકરણમાં જોડિયા-સચાણાના શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. જોડિયાના શખ્સના ઇશારે સચાણાના જાવીદે પુણેના મરાઠા શખ્સ તેમજ એક નાઈઝીરીયન શખ્સની મદદથી રાજ્ય બહાર 500 કરોડની કિંમતનું ડ્રગ્સ વેચી માર્યું હોવાની વિગતો સામે આવી છે. મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સ પકડાયું તે પૂર્વે પણ 10 કિલો ડ્રગ્સ વેચી મારવામાં આવ્યું હોવાનો પણ ખૂલાસો થયો છે. ATSની ટીમે સચાણાના શખ્સની ધરપકડ કરી બાર દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ શરુ કરી છે. ગઈકાલે સવારથી જ ATSની ટીમ જાવીદને સાથે રાખી સચાણા આવી હતી અને જે બોટમાં ડ્રગ્સ લઇ આવવામાં આવ્યું છે તે બોટ કબ્જે કરવામાં આવી છે.

છેલ્લા 15 દિવસમાં પોલીસે 13 શખ્સોની ધરપકડ કરી
દેવભૂમિ દ્વારકા પોલીસે જિલ્લાના ખંભાળીયા, સલાયામાંથી 66 કિલો ડ્રગ્સ સાથે બે સ્થાનિક સહીત ત્રણ શખ્સોને પકડી પાડ્યા બાદ ગુજરાત ATS યુવા ધનને ખોખલું કરતા નેટવર્ક પર તૂટી પડી છે. ATS દ્વારા મોરબીના ઝીંઝુડા ગામેથી એક સલાયાના શખ્સ સહીત ત્રણ શખ્સોને 121 કિલો ડ્રગ્સ સાથે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાવદ્રા ગામેથી એક શખ્સને 120 કીલો ડ્રગ્સ સાથે દબોચી લીધો હતો. આ શખ્સોની પૂછપરછ દરમિયાન જામનગર જિલ્લાના જોડિયાના પિતા-પુત્ર પૈકી પકડાયેલા રહીમ નોડેએ બેડી બંદર નજીકથી બે કિલો ડ્રગ્સ કાઢી આપ્યું હતું. છેલ્લા પખવાડીયામાં ગુજરાત પોલીસે 1 હજાર કરોડ ઉપરાંતનું ડ્રગ્સ પકડી પાડી 13 શખ્સોની ધરપકડ કરી છે.

સચાણાના જાવિદે પુણેના મરાઠા શખ્સને 500 કરોડનું ડ્રગ્સ સપ્લાય કર્યું
છેલ્લે ધરપકડ કરાયેલા પંજાબ અને નાઈજીરીયન શખ્સના રિમાન્ડ દરમિયાન જામનગર જિલ્લાના સચાણાના એક અને એક પુનાના શખ્સની સંડોવણી ખુલવા પામી હતી. જેને લઈને ATS દ્વારા સચાણાના જાવીદ ઉર્ફે જાબીયર અને પુણેના સર્જેરાવ કેશવરાવ ગરડને પકડી પાડ્યા હતા. આ કાર્યવાહી પૂર્વે પકડાયેલા જોડિયાના ઈશા રાવે કબુલાત કરી હતી કે સચાણાના જાબિયર ઉર્ફે જાવિદે પુણેના મરાઠા શખ્સને 500 કરોડનું ડ્રગ્સ સપ્લાય કરી દેવાયું છે.

ગઈકાલે ATSની ટીમ સચાણા આવી હતી
ATSની ટીમે આ બંને શખ્સોને મોરબી કોર્ટમાં રજૂ કરી બાર દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ ફરી જામનગર જિલ્લા તરફ લંબાવ્યો છે. ગઈકાલે જાવીદને સાથે રાખી ATSની ટીમ સચાણા આવી હતી. બપોરે આવી પહોચેલી ટીમે બંદરીય વિસ્તારમાં સઘન તપાસ કરી હતી. જેમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં ઉપયોગમાં લેવાયેલ એક બોટ કબજે કરવામાં આવી છે.

100 કિલો ડ્રગ્સ પુણે અને દિલ્લી આસપાસ વેચાયું
100 કિલો ડ્રગ્સ વેચી મારવામાં આવ્યું છે, તે મોરબી કન્સાઈન્મેન્ટનો ભાગ જ હતું કે અન્ય રેકેટ છે?, આ ડ્રગ્સમાં કોણ કોણ સંડોવાયું છે? તેમજ રૂપિયાની હેરાફેરીમાં કયા નેટવર્કનો ઉપયોગ થયો છે? સહિતની બાબતનો તાગ મેળવવા ATSની ટીમ હાલ સચાણા અને પુણેના શખ્સની પૂછપરછ કરી રહી છે. 100 કિલો ડ્રગ્સ પુણે અને દિલ્લી આસપાસ વેચી મારવામાં આવ્યું છે તે ડ્રગ્સ જોડિયાના ઈશા રાવના ઇસારે જ જાવીદ અને મરાઠા શખ્સે સગેવગે કર્યું હોવાની વિગતો સામે આવી છે. આ ડ્રગ્સ પણ અરબી સમુદ્રના રસ્તે વાયા પાકિસ્તાનથી સપ્લાય કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...