ચૂંટણી:નવા દાવમાં નવા ચહેરા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર ઉત્તર અને દક્ષિણમાં નવા ચહેરા મૂકી ભાજપે એક કાંકરે ઘણા પક્ષીઓ ‘ઉડાડી દીધા’
  • શહેરની બંને બેઠકના ધારાસભ્ય કપાયા, જામનગર ગ્રામ્ય, જામજોધપુર-દ્વારકા બેઠક પર ભાજપે રીપીટ થીયરી અપનાવી
  • ખંભાળિયાની સીટનું સસ્પેન્સ ઘણાના શ્વાસ અધ્ધર ચડાવી દેશે ?

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 7 બેઠકમાંથી 6 બેઠક માટે ભાજપે વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં જામનગર ઉતર અને દક્ષિણ બેઠકના બંને ધારાસભ્યને કાપી નવા ચહેરા મૂકી ભાજપે એક કાંકરે ઘણા પક્ષીઓને ઉડાડી દીધા છે. જામનગર ગ્રામ્ય, જામજોધપુર અને દ્વારકા બેઠક પર ભાજપે રીપીટ થીયરી અપનાવી છે. કાલાવડ બેઠક પર પુન: પૂર્વ ધારાસભ્યને ટીકીટ આપવાની ફરજ પડી છે. ખંભાળિયાની બેઠક પર હજુ સસ્પેન્સ યથાવત રહ્યું છે. ટીકીટની ફાળવળીમાં અપસેટથી ભાજપમાં ટીકીટ માટે ધમપછાડા કરતા દાવેદારોમાં સન્નાટો છવાઇ ગયો છે.

હાલારની વિધાનસભાની 6 બેઠક પર જે ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે. તે પૈકી જામનગર ઉતર બેઠક પર રીવાબા જાડેજા અને દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરી બંને નવા ચહેરા પર પસંદગી ઉતારતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જામગનર ગ્રામ્ય બેઠક પર રાધવજી પટેલ, જામજોધપુર બેઠક પર ચિમન શાપરિયા અને દ્વારકા બેઠક પર પબુભા માણેકને ટીકીટ આપી રીપીટ થીયરી અપનાવતા આ મુદો પણ જિલ્લાના રાજકારણમાં અને ભાજપની છાવણીમાં ચર્ચાનો મુદો બન્યો છે. કાલાવડ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાને ટીકીટ આપી છે. જો કે, ખંભાળિયાની બેઠક પર ભાજપે હજુ ઉમેદવાર જાહેર ન કરતા સસ્પેન્સ વધુ ઘેરૂં બન્યું છે.

હાલારમાં કઇ બેઠક પર કોને ટિકિટ મળવા પાછળ કયા સમીકરણ કામ કરી ગયા?

જામનગર ગ્રામ્ય | રાઘવજી સમકક્ષ ઉમેદવાર જ ન મળ્યો
જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપે રીપીટ થીયરી અપનાવી રાઘવજી પટેલને ટીકીટ આપી છે. આ બેઠક પર ભાજપમાં ચાર થી પાંચ દાવેદાર હતાં. પરંતુ જે ઉમેદવારો ટીકીટ મેળવવા પડાપડી કરી રહ્યા હતાં તે પૈકી એકપણ દાવેદાર રાઘવજી પટેલ સમકક્ષ સક્ષમ ન હોવાથી ભાજપે રીપીટ થીયરી પસંદ કરી છે.

જામનગર ઉત્તર | હકુભાને ક્રિમિનલ કેસ નડી ગયો કે પછી...
જામનગર ઉતર બેઠક પર ભાજપે હકુભા જાડેજાની બાદબાકી કરી રિવાબા જાડેજાને મેદાનમાં ઉતર્યા છે. હકુભા સામે ક્રિમિનલ કેસ નોંધાયો હોય ટીકીટ ન મળવા પાછળ આ કેસ કારણભૂત હોઇ શકે છે. બીજી બાજુ રીવાબા મોદીની નજીક હોય તેણીને ટીકીટ મળવા પાછળ આ મહત્વનું પરિબળ પુરવાર થયું છે.

જામનગર દક્ષિણ | ફળદુ નજીકની વ્યકિતને જ ગોઠવવામાં સફળ
જામનગર દક્ષિણ બેઠક પર ભાજપે આર.સી.ફળદુને ટીકીટની ફાળવણી ન કરી નો રીપીટ થીયરી અપનાવી છે. આ બેઠક પર અન્ય દાવેદારો પણ ટીકીટ માટે મેદાનમાં હતાં. પરંતુ આ બેઠક પર ફળદુ નજીકની વ્યકિત ને ગોઠવવામાં સફળ રહ્યા છે. આથી ભાજપે દિવ્યેશ અકબરી પર પસંદગી ઉતારી છે.​​​​​​​

જામજોધપુર | ગઇ ચૂંટણીમાંથી બોધપાઠ લઇને પસંદગી કરાઈ
જામજોધપુર બેઠક પર ગત ચૂંટણીમાં ચિમનભાઇ શાપરિયાનો પરાજય થયો હતો. આ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપને પાટીદાર ફેકટર નડી ગયું હતું. જેના કારણે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. આથી ગઇ ચૂંટણીમાંથી બોધપાઠ લઇને ભાજપે આ વર્ષે ચિમનભાઇ શાપરિયાને ટીકીટ આપી રીપીટ થીયરી અપનાવી છે.

કાલાવડ | 2017માં કરેલી ભૂલ સલૂકાઇથી સુધારી લીધી
કાલાવડની બેઠક પર વર્ષ-2017 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કારમી હારનો સામનો કરવો પડયો હતો. કારણ કે, ભાજપ ઉમેદવારની પસંદગીમાં થાપ ખાઇ ગયું હતું. આથી ચાલુ વર્ષે કાલાવડ વિધાનસભાની બેઠક પર ભાજપે પૂર્વ ધારાભ્ય મેઘજીભાઇ ચાવડાને ટીકીટ આપી આ ભૂલ સલૂકાઇથી સુધારી લીધી છે.

દ્વારકા | પબુભાનો વિકલ્પ કયાં? ભાજપે ટીકીટ આપવી જ પડી
દ્રારકા વિધાનસભા બેઠક પર ભાજપ પાસે પબુભા માણેક સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. કારણ કે, તેઓ ભાજપને સતત વિજય અપાવી રહ્યા છે. આ બેઠક પર ટીકીટ માટે અન્ય દાવેદારો હતાં. પરંતુ પબુભા જેટલા અન્ય કોઇ સક્ષમ ઉમેદવાર ન હોવાથી ભાજપને આ ચૂંટણીમાં પણ ટીકીટ આપવી જ પડી છ.

અન્ય સમાચારો પણ છે...