તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:ખંભાળિયાના બેહ ગામે ખેતરના શેઢા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ, એક યુવકની હત્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો હત્યા સુધી પહોંચી ગયો

જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામે શુક્રવારે બે પાડોશીઓ ખેતરની હદ માટે બાખડ્યા હતાં, જેમાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ અને મામલો મારામારી પર પહોંચ્યો હતો. જેમાં એક યુવકની હત્યા થઇ હતી.

આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ગઢવી રામ વિરપાલભાઈ સંધીયા નામના આશરે 42 વર્ષના યુવાન સાથે આ જ વિસ્તારમાં રહેતા વેજાણંદ નાગાજણ પતાણી નામના શખ્સ સાથે બાજુ બાજુમાં વાડીનો શેઢા બાબતે ગઇકાલે શુક્રવારે બપોરે બોલાચાલી થઇ હતી. જેમાં આરોપી વેજાણંદ નાગાજણ પતાણીએ રામભાઈ સંધીયા ઉપર લાકડાના ધોકા વડે હૂમલો કર્યો હતો. આ હુમલાના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં રામભાઈને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચતા હતા. આરોપી શખ્સ દ્વારા શેઢાની તકરારમાં મૃતકના ભાઈ ધનાભાઈને પણ લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ બનાવ બનતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના નાનાભાઈ ધનાભાઈ વીરપારભાઈ સંધીયાની ફરિયાદ ઉપરથી આરોપી વેજાણંદ સામે મનુષ્ય વધની કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪ તથા જી.પી. એક્ટ મુજબ ધોરણસર ગુનો નોધી, અહીંના પીઆઈ. વી.વી. વાગડીયા દ્વારા આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ બનાવ બનતા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ બેહ ગામે દોડી ગયા હતા. આ સમગ્ર બનાવે નાના એવા બેહ ગામમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...