નવા નીરના વધામણા:જામનગરના સસોઈ ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા, કૃષિમંત્રીએ નર્મદાના નીરના વધામણા કર્યા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના 35 ચેકડેમ અને 14 ડેમ સૌની યોજના વડે નર્મદાનાં પાણીથી ભરવામાં આવ્યા છે

જામનગરમા રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલના હસ્તે સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરનાં વધામણાં કરવામાં આવ્યા હતા. 'સૌની યોજના લિંક 1' મારફત મચ્છુ 2 ડેમથી પમ્પીંગ કરીને આજી 3 ડેમ પમ્પીંગ સ્ટેશન, ઊંડ 1 ડેમ પમ્પીંગ સ્ટેશન અને પીપરટોડા પમ્પીંગ સ્ટેશન મારફતે જામનગર- લાલપુર તાલુકામાં સ્થિત સસોઈ ડેમમાં અંદાજિત 100 એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો ઉદ્દેશ છે કે ગુજરાતના દરેક ગામડે ગામડે નર્મદાના નીર પહોંચે. ખેડૂતોની સુખાકારી થકી જ દેશની સુખાકારી- આ જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. આજે સરકાર દ્વારા 'સૌની યોજના' અંતર્ગત રૂ. 1200 કરોડથી પણ વધુના ખર્ચે સૌરાષ્ટ્ર- કચ્છના અંતિમ ગામોમાં પણ નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યાં છે. આજે ઉત્તર ગુજરાતમાં પણ 'સુજલામ સુફલામ યોજના' થકી નર્મદાનાં નીરનાં વધામણાં કરવામાં આવ્યા છે. જામનગરમાં વર્ષમાં એક વાર જ નહીં, પરંતુ જયારે પણ જરુર પડશે ત્યારે પાણી પહોંચાડવામાં આવશે. દરિયામાં જતાં કિંમતી પાણીને અટકાવવા માટે સૌની યોજના એ આપણા સૌ માટે આશીર્વાદ સમાન છે.

આ કાર્યક્રમમાં જામનગર મેયર બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી ચેરમેન ડો. વિનુભાઈ ભંડેરી, જામ્યુકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ,શાશક પક્ષના નેતા કુસુમબેન મહેતા, દંડક કેતનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજયભાઈ ખરાડી, જાડા પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર હરદયાભાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર આર.જે. અકબરી, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...