ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કયા પક્ષમાં જો઼ડાશે તેનું સસ્પેન્સ યથાવત છે. તેની વચ્ચે આજે નરેશ પટેલ જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે યોજાઈ રહેલી ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. નરેશભાઈએ પોથીયાત્રા દરમિયાન વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, અને શંભુપ્રસાદ ટુંડિયા સાથે રથમાં સવાર થયા હતા.
ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં નરેશ પટેલે હાજરી આપી
જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ત્યારે આજે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જામનગર દક્ષિણના ધારાસભ્ય, આર.સી.ફળદુ, ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા.
રાજકારણમાં પ્રવેશ અંગે થોડા સમયમાં જણાવીશ- નરેશ પટેલ
57 વર્ષની ઉમરે રાજકારણમાં પ્રવેશ કરવાની વાત છે એટલે સમજ્યા વગર પ્રવેશ કરવો બરાબર નથી. પાટીદાર સમાજ સિવાય દરેક સમાજના લોકો સાથે મારી વાતચીત ચાલુ છે. કર્મનિષ્ઠો સાથે વાતચીત ચાલુ છે. સમયસર હું રાજકારણમાં પ્રવેશ અંગે જણાવીશ.
નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત મનાઈ રહ્યો છે
ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યા હતા તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
સર્વે પૂર્ણ થવા પર સૌની નજર
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌકોઈની નજર છે. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.