તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આને કહેવાય વિકાસ:ગુલાબનગર શાક માર્કેટની જગ્યા મનપાએ જનરલ બોર્ડની મંજૂરી વગર જ રૂ.1.46 કરોડમાં વેંચી મારી..!

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડીંગ કમિટીએ સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષા સાથે વેંચાણને લીલીઝંડી આપી દેતા શંકા સાથે અનેક સવાલ
  • વર્ષ-2009 માં રૂ. 22 લાખના ખર્ચે બનેલી શાકમાર્કેટ શરૂ જ થઈ ન હતી અને12 વર્ષ શોભાના ગાંઠિયા સમાન પડી રહી હતી

જામનગર મહાનગરપાલિકાએ જનરલ બોર્ડની મંજૂરી વગર ગુલાબનગર શાકમાર્કેટની જગ્યા રૂ.1.46 કરોડમાં વેંચી મારતા ભારે ચકચાર જાગી છે. ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીએ સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષા સાથે વેંચાણને લીલીઝંડી આપી દેતા શંકા સાથે અનેક સવાલ ઉઠયા છે. વર્ષ-2009 માં રૂ. 22 લાખના ખર્ચે બનેલી શાકમાર્કેટ શરૂ ન થતાં 12 વર્ષ શોભાના ગાંઠિયા સમાન પડી રહી હતી.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં શાકભાજીના ધંધાર્થીઓ માર્ગ પર ઉભા રહેતા હોય ટ્રાફીક સહિતની સમસ્યા નિવારવા મહાપાલિકાએ વર્ષ-2009 માં રૂ. 22 લાખના ખર્ચે 48 ગાલાની શાકમાર્કેટ બનાવી હતી. આ માટે ત્રણ થી ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં. પરંતુ કોઇ ભાવ આવ્યા ન હતાં. નવાઇની વાત એ છે કે, વર્ષ-2009 થી 2020 એટલે કે 12 વર્ષ સુધી શાકમાર્કેટ એક વખત પણ ચાલુ ન થતાં શોભાના ગાંઠિયા સમાન પડી રહી હતી. આથી મનપાની સ્ટેન્ડીંગ કમીટીએ જનરલ બોર્ડમાં મંજૂરીની અપેક્ષા સાથે આ શાકમાર્કેટની જગ્યા ખાનગી પાર્ટીને વેંચવાનો નિર્ણય કર્યો હતો.

આથી મનપા દ્વારા નિયમ અને ડીપીએલસીની જોગવાઇ મુજબ જંત્રીના વધુ ભાવ અનુસાર જગ્યાની હરાજી કરવામાં આવતા બે પાર્ટીના ભાવ આવ્યા હતાં. જેમાં સૌથી વધુ રૂ.1.46 કરોડ ભાવ બોલનાર ખાનગી પાર્ટીને આ જમીન મળી હતી. જેનો દસ્તાવેજ શુક્રવારે થશે. પરંતુ મનપાના જનરલ બોર્ડની હજુ મંજૂરી મળી ન હોય જમીન વેંચાણની પ્રક્રિયાથી અનેક સવાલ અને શંકા ઉઠયા છે.

હજુ જનરલ બોર્ડની મંજૂરી બાકી છે: સ્ટેન્ડિંગ ચેરમેન
જામ્યુકોએ વર્ષ 2009માં બનાવેલી શાક માર્કેટ ઉપયોગમાં ન હોવાથી ગત ટર્મના સ્ટેન્ટીંગ કમિટી દ્વારા તેને વેચાણ કરવાની મંજૂરી એકથી દોઢ વર્ષ પહેલે આપી દેવામાં આવી છે, પરંતુ હજુ જનરલ બોર્ડની મંજૂરી બાકી છે જે મંજૂરી મળ્યા બાદ જ માર્કેટ વેચી શકાય તેમ હોય છે. > મનિષ કટારિયા, સ્ટેન્ડીંગ ચેરમેન, જામ્યુકો.

રૂ. 22 લાખનો ખર્ચ પાણીમાં, જવાબદાર કોણ?
મનપાએ વર્ષ-2009 માં ગુલાબનગર શાકમાર્કેટ રૂ. 22 લાખના ખર્ચે બનાવી હતી. પરંતુ ત્યારબાદ એટલે કે સતત 12 વર્ષ સુધી શાક માર્કેટ બંધ રહી હતી. આ સ્થિતિમાં શાકમાર્કેટની જગ્યા મનપાએ વેંચી નાંખતા શાકમાર્કેટ બનાવવા માટે કરવામાં આવેલો રૂ.22 લાખનો ખર્ચ પાણીમાં ગયો છે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠયો છે. ખરેખર તો આવા અણઘડત પ્લાન બનાવ્યા પહેલા વિચાર કરવો જોઈએ.

1 ચોરસ ફુટના મનપાને રૂ.3049 ઉપજયા
શહેરમાં ગુલાબનગર શાકમાર્કેટની કુલ જગ્યા 445 ચોરસ મીટર એટલે કે 4788 ચોરસ ફુટ છે. જેનું વેંચાણ રૂ. 1.46 કરોડમાં કરવામાં આવ્યું છે. આથી જામનગર મહાનગરપાલિકાને એક ચોરસ ફુટ જગ્યાના રૂ.3049 ઉપજયા છે.

અન્ય સમાચારો પણ છે...