રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે મુખ્યંત્રી સહિત મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ખંભાળિયા બેઠક પરથી જીત મેળવી અને ધારાસભ્ય બનેલા મુળુભાઈ બેરાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. પાંચ વખત તેઓ જીત્યા હતા અને તમામ વખત તેઓને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. મુળુભાઈ બેરાને પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યાં છે.
પાંચ વખત જીત્યા અને તમામ વખત મંત્રી પદ મળ્યું
ખંભાળિયા ભાણવડ બેઠકના ઉમેદવાર અને વર્ષ 2022ની ચૂંટણીમાં જીતેલા મુળુભાઈ બેરા કે જે અગાઉ પણ ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા હતા અને તમામ વખત તેઓને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે પણ તેઓની પાંચમી વખત જીત મેળવીને ફરી તેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે. છેલ્લી બે ટર્મથી ખંભાળિયાના ધારાસભ્ય તરીકે ચુંટાતા કોંગ્રેસના વિક્રમભાઈ માડમને તેમજ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના દાવેદાર ઈસુદાન ગઢવીને હરાવી ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા વિજેતા બન્યા હતા.
મુળુભાઈ બેરાની રાજકીય સફળ
મુળુભાઈ બેરા અગાઉ 4 વખત ધારાસભ્ય બન્યા હતા અને તમામ વખત મંત્રી રહ્યા હતા. જે બાદ તેઓ વર્ષ 2022માં પાંચમી વખત ધારાસભ્ય બન્યા અને ફરી તેઓને પાંચમી વખત કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે.
વર્ષ 1995માં મુળુભાઈ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને વર્ષ 1995થી 1998 સુધી સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગના નાયબ મંત્રી બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1998થી 2001 સુધી રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. જેમાં મહેસુલ સિંચાઈ, પૌઢ શિક્ષણ, બિન પરંપરાગત ઉર્જા મંત્રી બન્યા હતા. વર્ષ 2001થી 2002 સુધી તેઓ ફરી રાજ્યકક્ષાના મંત્રી રહ્યા હતા અને તેઓને ખાણ અને ખનીજ વિભાગનો સ્વતંત્ર હવાલો સોપવામાં આવ્યો હતો. વર્ષ 2004થી વર્ષ 2007 સુધી તેઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યાં હતા. આ વખતે તેઓને શ્રમ અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યાં હતા.
અન્ય હોદ્દા પણ સંભાળ્યાં
આ ઉપરાંત 1999થી 2002 સુધી જામનગર જિલ્લા પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ 2004થી 2007 સુધી અમરેલી જિલ્લા સહ પ્રભારી મંત્રી તરીકે કાર્યરત હતા. પંચાયતી રાજ કમિટી અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં રાજ્યકક્ષાના બોર્ડ નિગમ ચેરમેન પણ બન્યા હતા. આ ઉપરાંત તેઓ ભાણવડ તાલુકા ભાજપ પ્રમુખ, જામનગર જિલ્લા પ્રમુખ, ભાણવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ જામનગર ડિસ્ટ્રીક્ટ કો ઓપ. બેંકના ડાયરેક્ટર પણ રહી ચુક્યાં છે. પ્રદેશ કારોબારી સભ્ય તરીકેની વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.