તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં યૌનશોષણ મામલો:એલબી સાહેબ ‘ફ્રેશ’ થવા ફલેટની ચાવી લઈ જતા, પછી રૂમનો કેવો ઉપયોગ કરતાં તે ખબર નથી: બથવાર

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શરૂ સેક્શન રોડ પરના આવાસનો આ ફ્લેટ યૌનશોષણ મામલે ચર્ચામાં આવ્યો છે. - Divya Bhaskar
શરૂ સેક્શન રોડ પરના આવાસનો આ ફ્લેટ યૌનશોષણ મામલે ચર્ચામાં આવ્યો છે.
  • શરૂ સેક્શન રોડ પરના આવાસમાં આવેલા ફ્લેટમાં યુવતીઓને લઈ જવાતી હોવાનો હોસ્પિટલના તબીબે ઘટસ્ફોટ કર્યાે હતો
  • જામનગરના શરૂ સેક્શન રોડ પરનો ફ્લેટ યુવતીઓના શોષણ માટે ઉપયોગ થયો હોવાની ચર્ચા વચ્ચે ફ્લેટ વપરાશકાર મીડિયા સમક્ષ આવ્યો

જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણનો મામલો ગાંધીનગર સુધી ગુંજ્યા બાદ એમાં નવા-નવા ઘટસ્ફોટ રોજ થઈ રહ્યા છે. મહિલા અટેન્ડન્ટોને મજબૂર કરીને તેમનું શારીરિક શોષણ થતું હતું, જેમાં શહેરના શરૂ સેક્શન રોડ પરના એક ફ્લેટમાં તેમને લઈ જવાતી હતી, તેવી વાત બહાર આવી છે, જે મુદ્દે આ ફ્લેટને વાપરનાર હોસ્પિટલનો કર્મચારી સામે આવ્યો છે અને તેના સાહેબ ફ્રેશ થવા માટે ફ્લેટ વાપરતા હોવાની કબૂલાત આપી છે, એમાં શું કરતા હતા એ જાણતો નથી.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં અટેન્ડન્ટ્સ યુવતીઓ પર દબાણ કરી તેમનું શોષણ કરવાના અતિ ચકચારી પ્રકરણમાં એક બાજુ જ્યાં તપાસ સમિતિ યુવતીઓનાં નિવેદનો લઈ રહી છે અને અન્ય લોકોને પણ બોલાવી રહી છે, એના વચ્ચે દરરોજ નવા-નવા ફણગા ફૂટી રહ્યા છે. એક વાત એવી બહાર આવી છે કે મજબૂર યુવતીઓને શરૂ સેક્શન રોડ પર આવેલા આવાસના ફ્લેટ પર લઈ જવામાં આવતી હતી.

આ ફ્લેટને વાપરનાર નિતેશ બથવાર નામના હોસ્પિટલના કર્મચારીએ સામે આવીને નિવેદન આપ્યું છે કે શરૂ સેક્શન રોડ પર આવેલા આવાસમાં એક વર્ષથી મારો રૂમ છે. એલ.બી. સાહેબ મારી પાસેથી ચાવી લઈને જતા હતા, તેઓ ફ્રેશ થવાનું કહીને રૂમનો ઉપયોગ કરતા હતા, રૂમનો શું ઉપયોગ કરતા હતા એ મારા ધ્યાનમાં નથી અને મારા સાહેબ છે એટલે તેમને હું પૂછી શકું નહીં. ઘણીવાર તેઓ કહેતા કે મારું ઘર દૂર છે, 24 કલાકની ડયૂટી હોય એટલે રેસ્ટ માટે પણ રૂમ પર જતા.

ફ્લેટધારક બથવાર.
ફ્લેટધારક બથવાર.

CBI અથવા હાઈકોર્ટ જસ્ટિસ દ્વારા તપાસ કરાવવા કોંગ્રેસની માગ, ‘આપ’નાં ધરણાં
યૌનશોષણ મામલે મહિલા સંગઠનો તેમજ રાજકીય સંગઠનોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ગુરુવારે સવારથી જ હોસ્પિટલના પટાંગણમાં આમઆદમી પાર્ટી દ્વારા અચોક્કસ મુદ્દતનાં ધરણાં ચાલુ કરી દેવામાં આવ્યાં છે, જેને મહિલા સંગઠનો તથા અન્યોનો ટેકો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસ અથવા તો હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ યૌનશોષણ મામલે રાજકીય વાતાવરણ વધારે તંગ બને તો નવાઈ નહીં.

અમદાવાદનાં મહિલા અગ્રણીઓની કલેક્ટર સાથે તડાફડી: ‘ભાસ્કર’ ઓફિસની પણ મુલાકાત લીધી
અમદાવાદથી આવેલાં 3 મહિલા અગ્રણીઓ અટેન્ડન્ટ યુવતીઓને મળ્યા પછી જિલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યા ત્યારે ત્યાં તેમની સાથે શાબ્દિક તડાફડી થઈ ગઈ હતી. ઓલ ઈન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનના ગુજરાત રાજ્યનાં કન્વીનર મીનાક્ષીબેન જોષી, અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ-અવાજના સારાબેન બાલદીવાલા અને સામાજિક કાર્યકર સ્મિતાબેન પંડ્યાએ જામનગરમાં ‘દિવ્ય ભાસ્કર’ ઓફિસની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવતીઓની જાતીય સતામણી થઈ છે એ નિ:શંક છે, તેમનાં નિવેદનોમાં પણ છેડછાડ કરાઈ રહી છે.

‘કોઈપણ મદદ માટે અમે તૈયાર છીએ’
અમદાવાદથી આવેલાં મહિલા અગ્રણીઓએ ‘દિવ્ય ભાસ્કર’ની ઓફિસમાં જણાવ્યું હતું કે પીડિત યુવતીઓને કાયદાકીય કે અન્ય કોઈપણ મદદની જરૂરિયાત હોય તો મોબાઈલ નં.9426273283 (મીનાક્ષીબેન), 9512014420 (સારાબેન) અને 9737126774 (સ્મિતાબેન)નો સંપર્ક ગમે ત્યારે કરી શકે છે.