જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજની બહેનોને આત્મનિર્ભર કરવાના નિર્ધાર સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લઇ સીવણની તાલીમ આપવામાં આવે છે સાથે જ સમાજના બાળકોને શિષ્યવૃત્તિ અને આ મહામારીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ આપવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ત્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સેવાકાર્યોમાં સહભાગી બની સ્વહસ્તે સમાજની તાલીમ પૂર્ણ કરેલ 5 બહેનોને સિલાઈ મશીન, 50 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સમાજના લોકોને 235 અનાજની કીટ અર્પણ કર્યા હતા.
આ અગાઉ સમાજની કુલ 104 મહિલાઓને સિલાઇ મશીનનો યોજના અંતર્ગત લાભ મળ્યો છે.આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમાજમાં ચેતના આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ આવશ્યક છે. અનેક યોજનાઓ સરકાર દ્વારા લોકઉત્કર્ષ માટે અમલી કરવામાં આવેલ છે પરંતુ અનેક લોકોને તેના વિશે જાણકારી જ નથી ત્યારે લોકો સરકારની યોજનાઓ વિષે જાણી તેનો લાભ લઈ અને વિકાસ માર્ગે આગળ વધે તેવું પગલું રાજપૂત સમાજે લીધું છે, આ માટે હું સમાજની આવી સેવાભાવી સંસ્થાને બિરદાવું છું.
આ પ્રસંગે જામનગર જિલ્લા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા, ઉપપ્રમુખપી.આર.જાડેજા, કોર્પોરેટરઓ અલકાબા જાડેજા, હર્ષાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, હિતુભા ચુડાસમા, ઘનશ્યામસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રમણિકભાઇ તથા સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.