'ગાંઠિયા પક્ષીનો ખોરાક નથી':યાયાવર પક્ષીઓના આગમનના કારણે જામનગરના લાખોટા તળાવની સુંદરતામાં વધારો, ગાંઠિયા ના ખવરાવવા પક્ષીપ્રેમીઓની લોકોને અપીલ

જામનગરએક મહિનો પહેલા
  • 'ગાંઠિયામાં તેલ અને સોડા હોવાથી પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે'
  • ગાંઠિયાથી પક્ષીઓના થતા નુકસાન અંગે લોકજાગૃતિ ફેલાવવી જરુરી

શિયાળાની શરૂઆત થતા જ દર વર્ષે જામનગરના મહેમાન બનતા વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. જામનગરના લાખોટા તળાવમાં સેંકડોની સંખ્યામાં વિદેશી પક્ષીઓના આગમના કારણે તળાવની સુંદરતામાં વધારો થયો છે. લોકો પણ પક્ષીઓને ગાંઠિયા ખવરાવી આનંદ ઉઠાવે છે. પરંતુ, પક્ષીવિદોના મતે ગાંઠિયા પક્ષીનો ખોરાક નથી, ગાંઠિયાના કારણે પક્ષીના મોત થઈ શકે છે. જેથી લોકોએ ગાંઠિયા ના ખવરાવવા અપીલ કરવામા આવી છે.

શિયાળો ગાળવા માટે જામનગર આવે છે વિદેશી પક્ષીઓ
યુરોપિયન દેશોમાં કડકડતી ઠંડી પડતી હોવાના કારણે પક્ષીઓને ત્યાં કુદરતી રીતે પોતાનો ખોરાક મેળવવામા તકલીફ પડતી હોય છે. જેથી આ સમયગાળા દરમિયાન પક્ષીઓ સાત સમંદર પારથી અહીં મહેમાનગતિ માટે આવતા હોય છે. જામનગર નજીક આવેલા દરિયાકાંઠે, લાખોટા તળાવ અને ખીજડીયા પક્ષી અભ્યારણ્ય આસપાસ પક્ષીઓ રહેઠાણ કરે છે.

લાખોટા તળાવની સુંદરતામાં વધારો
શિયાળામાં લાખોટા તળાવ આસપાસ સેંકડોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉડતા જોવા મળે છે. સીગર અને ટર્ન નામના પક્ષીઓને તો લોકો ખૂબજ નજીકથી નિહાળી શકે છે. આ દિવસોમાં જામનગરવાસીઓ પોતાના બાળકોને લઈ લાખોટા તળાવ પક્ષીઓ દેખાવવા લાવતા હોય છે.

પક્ષીઓને ગાંઠિયા ના ખવરાવવા પક્ષીપ્રેમીઓની અપીલ
​​​​​​​
જામનગરના બર્ડ વોચર્સ આનંદ પ્રજાપતિએ કહ્યું હતું કે, લાખોટા તળાવ પર મોટી સંખ્યામાં લોકો પક્ષીઓને ગાંઠિયા નાખતા હોય છે. હકીકતમાં ગાંઠિયા ખવરાવી લોકો પક્ષીઓનું ભલું નહીં પણ નુકસાન કરી રહ્યા છે. ગાંઠિયામાં સોડા અને તેલનો ભાગ આવતો હોવાના કારણે પક્ષીઓને ફૂડ પોઈઝનીંગ થઈ જાય છે. ક્યારેક તેના મૃત્યુ પણ નિપજે છે. જે વિદેશી પક્ષીઓ જામનગરના મહેમાન બને છે તેનો મુખ્ય ખોરાક માછલી છે. જે તેને તળાવ અને દરિયામાં મળી રહે છે. જેથી લોકોએ ગાંઠિયા ખવરાવવાનું બંધ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...