ખનીજ માફિયાઓ બેફામ:મેવાસાની અઢી કરોડની ખનીજચોરી પાશેરામાં પહેલી પૂણી, પોલીસની ‘અસીમ કૃપા’ કંટ્રોલ કરાઈ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલ્યાણપુર તાલુકામાં ખનીજ ચોરીમાં કંઈ કેટલાય દીપક પ્રજ્વલિત બન્યા
  • દ્વારકા જિલ્લા પોલીસ કંઈક વધુ પડતી ‘વ્યવહારુ’ બની ગઈ હોવાથી જ તપાસ જામનગર ડીવાયએસપીને સોંપાઇ

કલ્યાણપુર તાલુકાના મેવાસામાંથી ગત જૂન મહિનામાં આરઆર સેલની ટુકડીએ લગભગ અઢી કરોડ રૂપિયાની ખનીજ ચોરી ઝડપી લીધી હતી. આ દરોડો કરાયો ત્યારે આર.આર.સેલે સ્થાનિક તંત્રને સંપૂર્ણ અંધારામાં રાખ્યું હતું અને એના લીધે જ દરોડો સફળ થયો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મેવાસામાંથી પકડાયેલી અઢી કરોડ રૂપિયાની આ ખનિજચોરી તો પાશેરામાં પહેલી પૂણી જ હોવાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે અને આ બાબત ઉચ્ચકક્ષા સુધી પહોંચી ગઇ હતી. કલ્યાણપુર તાલુકામાં અધધધ કહી શકાય તેવી તોસ્તાન ખનીજ ચોરી થઈ રહી છે. ખનીજ માફિયાઓની  પહોંચ હોવાના લીધે જ આ કેસની તપાસ સ્થાનિક પોલીસને ન આપીને જામનગર ડીવાયએસપી જાડેજાને સોંપાઈ હતી. આ કેસમાં પકડાયેલા આઠેયને જેલ હવાલે કરાયા છે, હજુ આગામી સમયમાં વધુ નામો ખૂલવાની શક્યતા છે.

મેવાસામાંથી અઢી કરોડ રૂપિયાની પકડાયેલી ખનીજ ચોરીના મામલે સ્થાનિક પીએસઆઇની  બદલી કરાયા બાદ  એલસીબીના પીઆઇને પણ જિલ્લા બહાર ફેંકી દેવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ તંત્રમાં ચર્ચાતી વિગતો મુજબ, કેટલાક ચોક્કસ અધિકારીઓ ખનીજ માફિયાઓ સાથે  જરૂર કરતાં પણ વધુ ‘વ્યવહારુ’ બની ગયા હોવાથી જ ઉચ્ચ અધિકારીઓએ તાકીદની અસરથી બદલીઓ કરવી પડી હતી. ખનીજ માફિયાઓ પર ચોક્કસ પોલીસ અધિકારીઓની અસીમ કૃપા ને ટાળવા માટે જ  આવા પગલાં ભરાયા છે.  સ્થાનિક સ્તરે તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, અહીંના ખનીજ માફિયાઓનું સેટીંગ તો છેક ગાંધીનગર સુધી છે. મેવાસામાં ખનીજચોરી પકડાઈ તેની પાછળ રાજકારણ રમાયુ હોવાની વાત નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...