વિશ્વ પર્યાવણ દિવસ:જામનગરમાં તળાવની સફાઇ, ગ્રીનવોક, સાયકલ રેલી દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં નવાનગર નેચર કલબ દ્વારા રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીનવોક અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં ચાલતા જઈ શકાતું હોય તેવી જગ્યાએ પણ લોકો વાહનોનો ઉપયોગ કરે છે. તેમાંથી નીકળતા ડીઝલ, પેટ્રોલ, અને ગેસનાં ધુમાડા વાતાવરણમાં પ્રસરે છે અને વાતાવરણ દૂષિત થાય છે.

ચાલવાની આદત છૂટી જવાના કારણે લોકોની રોજબરોજની જીવન શૈલીમાં વ્યાયામનો અવકાશ રહેતો નથી અને તેના કારણે મેદસ્વીપણું, એસિડીટી,ગેસ જેવા પેટનાં રોગોનો લોકો નાની ઉંમરમા શિકાર બને છે. ત્યારે આવનાર દિવસોમાં જામનગરમાં પ્રદૂષણ ઘટે તે માટે શહેરના લોકો કમ સે કમ અઠવાડિયામાં એક દિવસ પોતાનાં નોકરી ધંધામાં પગપાળા કે સાયકલનો ઉપયોગ કરે તે આશયથી ગ્રીન વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે ધૂંવાવ ગામે ધિંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આવનાર દિવસમાં આ જગ્યા ઉપર હજુ 300 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. કાર્યક્રમમાં હોમગાર્ડનાં જવાનો, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, ડેન્ટલ કોલેજ, પ્રાણોપાસના યોગ સેન્ટર, દાઉદી વ્હોરા સમાજ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરશન- વાડીનારનાં કર્મચારીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હતાં. બીજી બાજુ વિશ્વ પર્યાવરણ દિવસે એનસીસીના જવાનો, બહ્માકુમારી સંસ્થાન કાર્યકરો, ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ લાખોટા તળાવના પાછળના ભાગેથી વિપુલ પ્રમાણમાં કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...