જામનગર સહિત હાલારભરમાં ત્રણ દિવસ સુધી હવામાન પલટા સાથે ઠેર ઠેર કમૌસમી હળવા ભારે વરસાદ બાદ શનિવારે વાદળો મહદઅંશે વિખેરાતા વાતાવરણ સ્વચ્છ રહ્યુ હતુ.જયારે શહેરમાં 48 કલાકમાં જ પારો 5.6 ડીગ્રી ગગડી જતા તાપમાન 12.4 ડિગ્રીએ સ્થિર થતા તિવ્ર ઠંડીથી જનજીવન ધ્રુજી ઉઠયુ હતુ. ખાસ કરી વેગીલા વાયરાના કારણે વાતાવરણ ઠંડુગાર રહયુ હતુ.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે હવામાન પલટાયુ હતુ જે બાદ ત્રણેક દિવસ સુધી જુદા જુદા સ્થળે હળવો ભારે વરસાદ પણ વરસ્યો હતો.સતત ત્રણ દિવસ સુધી માવઠા બાદ શનિવારે વાદળો વિખેરાતા વાતાવરણ સ્વચ્છ થયુ હતુ અને સુર્યનારાયણના પણ રાબેતા મુજબ દર્શન થયા હતા.જોકે,માવઠા બાદ શિયાળાએ પણ આગવો મિજાજ દર્શાવ્યો હતો. જામનગરમાં ગુરૂવારે 18 ડીગ્રી પર રહેલુ લઘુતમ તાપમાન શુક્રવારે 16.5 બાદ શનિવારે વધુ ચારેક ડીગ્રીના કડાકા સાથે 12.4 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના કારણે તિવ્ર ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ.કાતિલ ઠંડી સાથે વેગીલો વાયરો ફુંકાતા વાતાવરણ બપોર બાદ જ ઠંડુગાર રહયુ હતુ. કડકડતી ઠંડીના કારણે રાત્રીના પગરવ સાથે માર્ગો પણ મહદઅંશે સુમસામ જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.