તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:કાલાવડમાં મેઘાગમન, દોઢ કલાકમાં પોણા બે ઇંચ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાલાવડ - Divya Bhaskar
કાલાવડ
  • જામનગર સહિત હાલારભરમાં ઠેર ઠેર વરસાદી માહોલનો મુકામ, ધ્રોલમાં રાત્રે અડધો ઈંચ
  • અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસેલા વરસાદથી ટાઢક પ્રસરી, જોડિયામાં હળવું ઝાપટું

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ગુરૂવારે બપોરે મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી.જેમાં લગભગ દોઢેક કલાકમાં જ પોણા બે ઇંચ જેટલુ પાણી વરસાદી દેતા કાલાવડના માર્ગો પાણી પાણી ગયા હતા.બીજી બાજુ ગ્રામ્ય પંથકમાં પણ કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ પડયો હોવાના વાવડ મળ્યા છે. ધ્રોલમાં રાત્રે શરૂ થયેલા વરસાદે અડધો ઈંચથી વધુ પાણી વરસાવ્યું હતું.

જામનગર સહિત હાલારભરમાં છેલ્લા એકાદ સપ્તાહથી સમયાંતરે વાતાવરણમાં પલટા વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળોનો જમાવડો રહયો છે.જેમાં ગુરૂવારે સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ ઝરમર છાંટા શરૂ થયા હતા.જે બાદ વરસાદે વેગ પકડતા લગભગ સવા પાંચ વાગ્યા સુધીમાં મુશળધાર વરસેલા વરસાદે 45 મી.મી. પાણી વરસાવી દિધુ હતુ. કાલાવડમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી ત્રસ્ત લોકો ખાસ કરી યુવા વર્ગ અને બાળકોએ પ્રથમ વરસાદના આગમનને વધાવી લીધુ હતુ.

લગભગ પોણા બે કલાક સુધી યથાવત રહેલા વરસાદથી વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી.જોકે,મોડી સાંજે પણ વરસાદી ડોળ યથાવત રહયો હતો.જામનગર સહિત જીલ્લાભરમાં મોડી સાંજે વરસાદી માહોલનો મુકામ રહયો હતો.ધ્રોલમાં મોડીસાંજે છવાયેલા વાદળોએ રાત્રે સાડા આઠ વાગ્યા બાદ વરસવાનું શરૂ કરતા આ લખાય છે ત્યાં સુધીમાં 14 મી.મી. જેટલો વરસાદ વરસાવી દીધો છે.

જોડિયામાં ઝાપટું, કાલાવડ ગ્રામ્યમાં 1થી 2 ઈંચ વરસાદ
જોડિયામાં વહેલી સવારે આકાશમાં ગોરંભાયેલા વાદળોએ હળવો વરસાદ વરસાવ્યો હતો. જેમાં 2 કલાક દરમિયાન ઝાપટા સ્વરૂપે 2 મી.મી. વરસાદ નોંધાયો હતો. કાલાવડમાં ધમાકેદાર વરસાદની સાથે ગ્રામ્યમાં પણ હળવો ભારે વરસાદ વરસ્યો હોવાના વાવડ મળ્યા છે, મોટા વડાળા, જશાપર, શિશાંગ અને નિકાવાના સીમ પંથકમાં બપોર બાદ વરસાદ પડયો હતો, અમુક સીમ વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદના અહેવાલ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...