અમલવારી માટે અભિપ્રાય:જામનગરમાં લાયસન્સ વગર ધમધમતી નોનવેજની લારીઓ હટાવવા મેયરે તમામ કોર્પોરેટરોનો અભિપ્રાય માગ્યો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સમયમાં ફૂલપ્રુફ પ્લાનીંગ સાથે લારીઓ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે

જામનગર સહિત રાજ્યના મહાનગરોમાં જાહેરમાં લાયસન્સ વગર ધમધમતી નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં ફૂલપ્રુફ પ્લાનીંગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મેયર બિનાબેન કોઠારીએ કરી છે. મેયરે આ અંગે તમામ કોર્પોરેટરોનો અભિપ્રાયો માગ્યો છે.

બીનાબેન કોઠારી , મેયર
બીનાબેન કોઠારી , મેયર

રાજકોટમાં મુખ્ય માર્ગો ઉપર વધી ગયેલી નોનવેજની રેકડીઓના અસંખ્ય દબાણો હટાવવા મેયર પ્રદિપ ડવ પોતે પણ કાફલાની આગેવાની લઇને રસ્તા ઉપર ઉતર્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ અને અન્ય મહાનગરમાં પણ રેકડી-કેબીનના મુખ્યમાર્ગો ઉપરના દબાણો હટાવવા કામગીરી શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો આ દિશામાં ગંભીર રીતે વિચારી રહ્યા છે. સ્ટીરીયો ટાઇપ કામગીરી કરતા લાંબાગાળા સુધી સમસ્યા ફરી ઉભી ન થાય તે માટે તકેદારી લેવાનું પણ આયોજન થઇ રહ્યું છે.

આ મુદ્દે મેયર બિનાબેન કોઠારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, જામનગરમાં પણ મુખ્ય માર્ગો ઉપર નોનવેજ સહિતની લારી-ગલ્લાના દબાણોની સમસ્યાની ફરિયાદો મળી રહી છે. અમુક કોર્પોરેટરોએ પણ આ અંગે ફરિયાદ કરી છે. આથી આ મામલે ફૂલપ્રફુ પ્લાનીંગ કરવાનો નિર્ણય લીધો છે.

મેયરે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રશ્ર્ને તમામ વોર્ડના કોર્પોરેટર પાસેથી તેના વોર્ડની સ્થિતિ અંગે અને સમસ્યાના કાયમી ઉકેલ માટે શું કાર્યવાહી કરવી જોઇએ તે અંગેના સુચનો માંગવામાં આવ્યા છે. કોર્પોરેટરો દ્વારા માહિતી પુરી પાડવામાં આવ્યા બાદ આ અંગેનું સુદ્રઢ આયોજન ઘડવામાં આવશે અને જરૂર પડયે આ અંગેનો નીતિ વિષયક નિર્ણય સામાન્ય સભામાં કરવામાં આવશે. સમસ્યાના ઉકેલ માટેના આયોજન માટે કમિશ્ર્નર વિજયકુમાર ખરાડી અને અન્ય અધિકારીઓ સાથે પણ પરાર્મશ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ અગાઉ પણ કેટલાક આગેવાનો અને સંસ્થા દ્વારા ખાસ કરીને ઇંડા અને નોનવેજની રેકડીઓના પ્રશ્ર્ને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઇ અકળ કારણસર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. રાજકોટ મહાનગરપાલિકાથી શરૂ થયેલી આ ઝુંબેશ બાદ હવે જામનગરમાં પણ આ દિશામાં નક્કર કામગીરીની આશા જન્મી છે.

બીજી તરફ શાસક જૂથના વોર્ડ નં. 13, 15 અને 16ના 10 કોર્પોરેટરોએ મ્યુ. કમિશનર વિજય ખરાડીને ગત તા.20 ઓક્ટોબરના રોજ રજુઆત કરી છે કે, ત્રણેય વોર્ડના વિસ્તારમાં આવતા રણજીતસાગર રોડ પરના નાનકપુરી થી લાલપુર બાયપાસ સુધીમાં રોડની બંન્ને બાજુ નોનવેજની રેકડીઓ તથા જાહેરમાં મટન કપાતું હોય આસપાસના લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય તેમજ રોડની બંન્ને સાઈડ દબાણ થવાથી, આડેધડ વાહન પાર્ક થવાથી વારંવાર અકસ્માતો થાય છે. તેમજ દારુ પીધેલી હાલતમાં આવારા તત્વો ત્યાં આતંક જેવી સ્થિતિનું નિર્માણ કરતા હોય છે.

કચરો અને ગંદકી પણ કેનાલમાં નાંખવામાં આવે છે. હાલની કોરોનાની સ્થિતિમાં જાહેરનામું અમલમાં હોવા છતાં કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગર રેકડી-કેબીન ધારકો રેકડી-કેબીનો મોડી રાત્રી સુધી ખુલ્લી રાખે છે. તેથી આ દબાણ દુર કરાવી રાહદારીઓનો માર્ગ ખુલ્લો કરાવી ધાર્મિક લાગણી દુભાતી અટકાવવી ત્યાંથી દુર ખસેડવામાં આવે. આ રજુઆતમાં વોર્ડ નં.13ના કોર્પોરેટર કેતનભાઈ નાખવા, બબીતાબેન લાલવાણી, પ્રવિણાબેન સપડીયા સાથે બાકીના બે વોર્ડના અન્ય સાત કોર્પોરેટરો હર્ષાબા જાડેજા, જેન્તીભાઈ ગોહિલ, ગીતાબા જાડેજા, શોભનાબેન પઠાણ, વિનોદભાઈ ખીમસુર્યા, પાર્થ કોટડીયા, ભારતીબેન ભંડેરી જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...