જામનગરમાં દિલધડક રેસ્ક્યૂનાં દૃશ્યો:કોઈએ ખભા પર તો કોઈએ સામા પ્રવાહમાં જઈ લોકોને બચાવ્યા, એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી

જામનગરએક મહિનો પહેલા
SDRF દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ
  • ધુંવાવ અને અલિયા ગામમાં પૂરના પાણીને કારણે ઘરના એક માળ ડૂબી ગયા
  • લોકો જીવ બચાવવા ઘરની છત પર પહોંચ્યા
  • બાંગા ગામમાંથી 6 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યાં

જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ગત રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

જિલ્લામાં વરસાદથી મુશ્કેલી હોય તો આ નંબરો પર સંપર્ક કરી શકો...!

જામનગર જિલ્લા નિયંત્રણ કક્ષ0288-2553404,
0288-2541485
કાલાવડ તાલુકા02894-222002
જામજોધપુર તાલુકા02898-221136
જોડિયા તાલુકા02893-222021
ધ્રોલ તાલુકા02897-222001
લાલપુર તાલુકા02895-272222
જામનગર મનપા નિયંત્રણ કક્ષ0288-2770515,
0288-2672208,9909011502

અલિયા ગામ સૌથી વધુ પ્રભાવિત થયું
કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા છે. નદીકાંઠા નજીકમાં કેટલાક લોકો ફસાયા હોય અને પાણીનો સ્તર વધી રહ્યો હોઈ, સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 25 લોકોનું દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન કરાયું હતું. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા હતા.
આ પણ વાંચોઃ જામનગરમાં ભારે વરસાદનાં ભયાવહ દૃશ્યો

અડધું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ
જામનગર નજીક આવેલા ધુંવાવા ગામમાં પણ ભયંકર સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામની અંદર ઘૂસી જતાં ગામની પચાસ ટકા વસતિ પૂરના પાણીમાં ફસાઈ છે. ગામલોકો દ્વારા પાણીની વચ્ચે ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની માગ કરાઈ છે. ગામલોકોનું માનીએ તો, તેમણે ઈતિહાસમાં ક્યારેય આવું પૂર જોયું નથી.

અલિયાબાડા ગામમાં રેસ્ક્યૂની તસવીર.
અલિયાબાડા ગામમાં રેસ્ક્યૂની તસવીર.

નાગેશ્વર ખોડિયાર મંદિરમાં લોકો ફસાયા
નાગેશ્વર નદીના કાંઠા પર જ ખોડિયાર મંદિર આવેલું છે. રાત્રિના સમયે નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવતાં મંદિર આસપાસ પૂરનાં પાણી ફરી વળ્યા છે. મંદિર પણ અડધું પાણીમાં ડૂબી ચૂક્યું છે. અહીં પાંચથી છ જેટલા લોકો છત પર ફસાયેલા છે, જેઓ દ્વારા વીડિયો વાઈરલ કરી મદદની માગ કરી છે.

ધુંવાવ ગામમાં રેસ્ક્યૂ
ધુંવાવ ગામમાં રેસ્ક્યૂ

શહેરના ભોઈવાડા વિસ્તારમાં 10 ફૂટથી વધુ પાણી ભરાયાં
જામનગર શહેરના ભોઈવાડા વિસ્તારમાં ધુંવાવના નાકા પાસે નાગમતી-રંગમતી નદીનાં પાણી ફરી વળતાં રહેણાક વિસ્તારમાં 10 ફૂટ કરતાં વધુ પાણી ભરાયાં છે. હાલ અહીંથી પણ બોટ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે.

ધુંવાવ ગામમાં રેસ્ક્યૂની તસવીર.
ધુંવાવ ગામમાં રેસ્ક્યૂની તસવીર.

એરફોર્સના હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં લાગ્યા
જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એરફોર્સનાં ચાર હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલાં 3 ગામના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ અને સહાય પહોંચાડવા, સલામત સ્થળે ખસેડવા તેમજ એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે. હાલ બાંગામાંથી 6થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા છે તેમજ હજુ પણ જામનગરના ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એરલિફટની કામગીરી ચાલુ છે.

ખોડિયાર મંદિરમાં ફસાયેલા 6 લોકોની તસવીર.
ખોડિયાર મંદિરમાં ફસાયેલા 6 લોકોની તસવીર.

SDRFની ટીમે બોટ વડે બચાવ કામગીરી શરૂ કરી
જામનગર નજીક ધુંવાવ ગામમાં પૂરના પાણી ફરી વળતાં SDRFની ટીમ અહીં કામે લગાડવામાં આવી છે. SDRFની ટીમ દ્વારા બોટની મદદથી ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ધુંવાવના નાકા પાસે રેસ્ક્યૂની તસવીર.
ધુંવાવના નાકા પાસે રેસ્ક્યૂની તસવીર.
બાંગા ગામમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા..
બાંગા ગામમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા..
NDRFની ટીમ દ્વારા કાલાવડમાં 31 લોકોનું રેસ્ક્યૂ કરાયું
NDRFની ટીમ દ્વારા કાલાવડમાં 31 લોકોનું રેસ્ક્યૂ કરાયું

NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ જામનગર જિલ્લાના કાલાવડ અને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિના કારણે NDRFની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી છે. વડોદરા NDRFની ટીમ દ્વારા જામનગરના કાલાવડ તાલુકાના પંજેતન નગરમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કુલ 31 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. મળતી માહિતી મુજબ NDRFની ટીમ દ્વારા 13 મહિલા, 11 પુરુષ અને 7 બાળકો મળી 31 લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા છે. જવાનો દ્વારા હાલ પણ બચાવ કામગીરી યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...