પંચવટી વિસ્તારમાં કાર્યવાહી:શહેરમાં મનપાએ વધુ 40 મણ ઘાસ જપ્ત કરી ઢોરના ડબ્બે મોકલ્યું

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધના કોલોની, આર્ય સમાજ રોડ, પંચવટી વિસ્તારમાં કાર્યવાહી
  • ઘાસ ખરીદી જાહેરમાં નાખનાર લોકો સામે પણ ફરિયાદ કરાશે

જામનગરમાં મનપા દ્વારા અનઅધિકૃત રીતે ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓ પર દંડનીય કાર્યવાહી કરી ઘાસની જપ્તીની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. જે અંતર્ગત સાધના કોલોની, આર્ય સમાજ રોડ, પંચવટી ગૌશાળા વિસ્તારમાં કાર્યવાહી કરી વધુ 40 મણ ઘાસ જપ્ત કરી ઢોરના ડબ્બે મોકલ્યું છે.

જામનગરમાં મનપા દ્રારા ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ પર કડક કાર્યવાહીના અનુસંધાને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઘાસચારાનું વિતરણ કરતા આસામીઓ પર કાર્યવાહી હાથ ધરાઇ હતી.

શહેરના મીગ કોલોની વિસ્તાર, સાધના કોલોની, આર્યસમાજ રોડ, મારૂં કંસારાની વાડી, પંચવટી ગૌશાળા, ગીતામંદિર, ગોલ્ડન સિટી, ખોડીયાર કોલોની 80 ફૂટ રોડ, ગુલાબનગર મામાના મંદિર પાસે, ભીમવાસ, નાગેશ્વર મંદિર, નદીનો પટ, હરિયા કોલેજ રોડ સહિતના વિસ્તારોમાંથી એસ્ટેટ વિભાગે 40 મણ ઘાસચારો જપ્ત કર્યો હતો. આ ઘાસના જથ્થાને મહાનગરપાલિકા સંચાલિત ગોલ્ડન સીટી પાછળ સોનલ નગર ખાતે ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યો હતો.

એસ્ટેટ શાખા દ્વારા ઘાસ જપ્તીની તથા દંડકીય કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. જેથી કોઈ જગ્યાએ ઘાસ વેચવું નહીં તેમજ નાગરિકોને ઘાસની ખરીદી કરવી નહીં. જે લોકો ઘાસ વેચવાનું ચાલુ રાખશે તેની સામે પોલીસ ફરિયાદ કરાશે. જે લોકો ઘાસ ખરીદી જાહેર જગ્યા ઉપર નાખશે તેની સામે પણ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત યથાવત રાખવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...