ગ્રીન ​​​​​​​જામનગરના દાવા પોકળ:જામનગરમાં 5 વર્ષમાં મનપાએ 60,900 વૃક્ષ વાવ્યા પણ... શહેરમાં કુલ કેટલા વૃક્ષ છે તેની ખબર નથી !

જામનગર15 દિવસ પહેલાલેખક: પારસ સાહોલિયા
  • કૉપી લિંક
  • મનપાને સીસી રોડ, બ્યુટીફીકેશનના નામે સિમેન્ટ-ક્રોંકીટના જંગલ બનાવવામાં રસ, શહેરને હરિયાળું બનાવવામાં ઉદાસીન
  • દિન-પ્રતિદિન ગરમી વધી રહી છે છતાં વર્ષ 2021-22 માં શહેરમાં મહાનગર પાલિકા દ્રારા ફકત 2000 વૃક્ષનું વાવેતર કરવામાં આવતા અનેક સવાલ

જામનગરમાં 5 વર્ષમાં મહાનગર પાલિકાએ 60900 વૃક્ષ વાવ્યા છે પણ શહેરમાં કુલ કેટલા વૃક્ષ છે તેની ખબર ન હોય આશ્ચર્ય સર્જાયું છે. મહાનગરપાલિકાને ફકત સીસી રોડ, બ્યુટીફીકેશનના નામે સિમેન્ટ-ક્રોંકીટના જંગલ બનાવામાં રસ પણ શહેરને હરિયાળું બનાવવામાં ઉદાસીન હોય ગ્રીન જામનગરના દાવા પોકળ પુરવાર થયા છે. દિન-પ્રતિદિન ગરમી વધી રહી છે છતાં વર્ષ 2021-22 માં શહેરમાં મહાનગર પાલિકા દ્રારા ફકત 2000 વૃક્ષનું વાવેતર કરવામાં આવતા અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.

ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે ત્યારે તેમાંથી જામનગર પણ બાકાત નથી. જેના કારણે જામનગરમાં પણ ગરમીનો પ્રકોપ અગાઉના વર્ષો કરતા વધ્યો છે. ત્યારે શહેરમાં વૃક્ષોની સંખ્યા વધારવાની તાતી જરૂર છે. પરંતુ શહેર હરિયાળું બને તેમાં મનપાને રસ નથી. કારણ કે, શહેરમાં હાલમાં કુલ કેટલા વૃક્ષો છે તેનો કોઇ રેકર્ડ મનપા પાસે નથી. પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં શહેરમાં 60900 વૃક્ષ વાવવામાં આવ્યાના દાવા મનપાએ કર્યા છે. ખરેખર મનપાને શહેરમાં સીસી રોડ, બ્યુટીફીકેશનના નામે ફકત સિમેન્ટ-ક્રોકીંટના જંગલ બનાવામાં રસ છે. જેના કારણે શહેરમાંથી વૃક્ષો ધીમે ધીમે ઓછા થઇ રહ્યા છે.

મનપાની સ્થિતિ દયનીય વૃક્ષ વાવેતરમાં ટ્રસ્ટનો સહયોગ લેવો પડે છે
જામનગર મહાનગરપાલિકાની સ્થિતિ એટલી હદે દયનીય છે કે, વૃક્ષના વાવેતરમાં સામાજીક સંસ્થા અને ટ્રસ્ટનો સહયોગ લેવો પડી રહ્યો છે. આટલું જ નહીં જે વૃક્ષ વાવેતર કરવામાં ઓ છે તેની જાળવણી કરવામાં આવતી નથી. તાજેતરમાં સુભાષબ્રીજ પર ચેમ્બર ઓફ કોમર્સ પાસે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરાયું હતું. પરંતુ જાળવણીના અભાવે મોટા ભાગના વૃક્ષો બળી ગયા છે.

શહેરમાં કેટલા વૃક્ષ છે તેની ગણતરી હવે કરાશે
જામનગર શહેરમાં હાલમાં કુલ કેટલા વૃક્ષ છે તેની ગણતરીનો કોઇ રેકર્ડ નથી. શહેરમાં કુલ કેટલા વૃક્ષ છે તેની ગણતરી આગામી દિવસોમાં ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ શહેરમાં કુલ કેટલા વૃક્ષ છે તે જાણી શકાશે. > વિવેક કનખરા, વર્ક આસીસ્ટન્ટ, જામ્યુકો ગાર્ડન શાખા.

વાવાઝોડા, અતિવૃષ્ટિથી વૃક્ષને નુકસાન, ચાલુ વર્ષે 12000 વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક
જામનગરમાં ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2022-23 માં મનપાએ શહેરમાં 12000 વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો છે. બીજી બાજુ ગત વર્ષે વાવાઝોડા અને અતિવૃષ્ટિને કારણે વૃક્ષોને વ્યાપક નુકશાન થયું છે. જેનું રીપ્લાન્ટેશન કરવામાં આવી રહ્યાના દાવા મનપાની ગાર્ડન શાખા દ્રારા કરાવમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...