જામજોધપુર તાલુકાના સત્તાપર ગામે બસ સ્ટેન્ડ પાસે તાલુકા પોલીસે દરોડો પાડી કાર લઇ નીકળેલા રેલવેમાં ફાટકમેન તરીકે નોકરી કરતા જૂનાગઢના એક શખ્સને આંતરી લઇ તેની પાસેથી એક રિવોલ્વર કબજે કરી છે. આ શખ્સ ચિક્કાર દારૂ પીધેલો હોવાથી તેમજ તેની પાસેથી રિવોલ્વર મળી આવતાં પોલીસે તેની સામે આર્મ્સ રૂરલ લાઇસન્સનો ભંગ કરવા બદલે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
જામજોધપુર તાલુકા મથકથી 20 કિલોમીટર દૂર આવેલા સત્તાપર ગામે ગઇકાલે બુધવારે મોડી રાત્રે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક કારને આંતરી લીધી હતી. કારની તલાશી લેતાં જૂનાગઢમાં માંગરોળ રોડ પર ઝાંઝરડા મહેશ નગર ખાતે રહેતો અને રેલવેમાં નોકરી કરતો નટવરલાલ કાળુભાઈ તેરૈયા નામનો શખ્સ ચિક્કાર દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સ જાહેરમાં કોઇ કાયદા વિરૂદ્ધના હેતુ માટે વાપરવાના ઇરાદાથી રિવોલ્વર સાથે નીકળ્યો હોવાનું પોલીસની ધ્યાનમાં આવ્યું હતું. જેને લઇને પોલીસે જાહેરમાં રિવોલ્વર સાથે નીકળેલા અને બકવાસ કરતા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે કારની તલાશી લેતાં એક બોટલ દારૂ મળી આવ્યો હતો. ચિક્કાર નશામાં રહેલો તે બકવાસ કરતો હોવાથી તેમજ તેની પાસેથી રિવોલ્વર મળી આવી હોવાથી પોલીસે તેની સામે હથિયાર લાઇસન્સનો ભંગ કરવા તેમ જ દારૂની બોટલ તેમજ પીધેલો મળી આવતા પ્રોહિબિશન ધારાની મુજબ કાર્યવાહી કરી છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.