શોધખોળ:દરેડમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતાે શખસ ઝડપાયો, 2ના નામ ખૂલ્યા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર અને ભાણવડના 2ને ફરાર જાહેર કરી શોધખોળ

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી જાહેરમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહેલા એક શખ્સની પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે અટકાયત કરી લઈ, તેની પાસેથી રોકડ રકમ અને ક્રિકેટના સટ્ટાને લગતું સાહિત્ય કબજે કર્યું છે. જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનારા જામનગર અને ભાણવડના બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.

જામનગરના દરેડ વિસ્તારમાં એક કારખાના પાસે જાહેરમાં ઊભા રહીને ઓસ્ટ્રેલિયા માં રમાઈ રહેલી ભારત- ઇંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ પર જાહેરમાં મોબાઈલ ફોન મારફતે એક શખ્સ સટ્ટો રમી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી પંચકોશી બી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ખીમાભાઈ જોગલને મળી હતી.

જે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં સટ્ટો રમી રહેલા મૂળ ભાણવડના વતની અને હાલ રણજીતસાગર રોડ પર રહેતા પ્રકાશ વ્રજલાલભાઈ પરમારની પોલીસે અટકાયત કરી લઈ, તેની પાસેથી મોબાઇલ ફોન- રોકડ રકમ અને ક્રિકેટના સટ્ટાને લગતું સાહિત્ય વગેરે મળી રૂપિયા 17,120ની માલમતા કબજે કરી છે. જે આરોપીની પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં રહેતા અનિલ નામના શખ્સ તેમજ ભાણવડમાં રહેતા મનોજ નામના શખ્સ સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્રિકેટ વલ્ડકપના પ્રારંભ સાથે જ જુગાર રમતા અમૂક શખસો સક્રિય થયાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે પણ આવા તત્વો સામે કાર્યવાહી અવિરત રાખી છે.

અન્ય સમાચારો પણ છે...