જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ કે જેઓ પોતાના ઘરમાં રસોઈ બનાવતા હતા, દરમિયાન મકાનમાં આગ લાગી ગઈ હતી અને પોતે પણ દાઝ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના ખીજડીયા ગામ માં રહેતા અને એકલવાયું જીવન જીવતા વેલજી ભાઈ કરમશીભાઈ નસીત નામના 70 વર્ષીય બુઝુર્ગ કે જેઓ બુધવારે સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર જાતે જ રસોઈ બનાવતા હતા, જે દરમિયાન તેઓના રસોડામાં આગ લાગી ગઈ હતી.
જેમાં પોતે દાઝી ગયા હતા. જેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર જયંતીભાઈ વેલજીભાઈ પટેલે પોલીસને જાણ કરતાં પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશન નો કાફલો સૌ પ્રથમ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેમના મકાનમાં આગ લાગી હતી, જે સ્થળે પંચનામું પણ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.