પાસા હેઠળ અટકાયત:જામનગરમાં લૂંટ-મારામારી સહિત 22 ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત દારૂના ધંધાર્થીને જેલ હવાલે કરાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન દારૂના ધંધાર્થીઓને ઝેર કરવા માટે પાસાનું શાસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગરના શખ્સની પાસા હેઠળ અટકાયત કરી લેવાઇ છે. જેની સામે 22 થી વધુ ગુના નોંધાયા છે. ઉપરાંત એક દારૂના ધંધાર્થીને પણ પાસા હેઠળ અટકાયતમાં લઇને એલસીબીની ટીમ દ્વારા જેલ હવાલે કરાયા છે.

એકને વડોદરાની અને એકને સુરતની જેલમાં ધકેલાયા
જામનગરમાં નવાગામ વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ ઉર્ફે લખન રામભાઈ ચાવડા, કે જેની સામે લૂંટ મારામારી, જાનથી મારી નાખવાની ધમકી આપવી, તેમજ દારૂ અંગેના કેસો સહિત 22 જેટલા ગુના નોંધાયા છે. જે આરોપી સામે પણ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેક્ટરને મોકલાઈ હતી, તે દરખાસ્ત મંજૂર થઈને આવતાં જિલ્લા પોલીસવડાની સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા આરોપી લખન ચાવડાની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે. તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગરના મચ્છર નગર નજીક પુનિતનગર વિસ્તારમાં રહેતા દિલીપ પ્રતાપભાઈ જાડેજા નામના શખ્સ સામે પણ દારૂની પ્રવૃત્તિ અંગેનો કેસ નોંધાયો હોવાથી તેની પણ પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધીમાં નવ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...