ભાસ્કર એક્સક્લુઝિવ:જી.જી.હોસ્પિટલમાં લીકવીડ ઓક્સિજનની ક્ષમતા 3,000થી વધીને 41,000 લીટર થઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોથી લહેર ? કોરોનાના કેસો મામલે હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું
  • જામનગરમાં ટેસ્ટની સંખ્યા વધારાઇ નથી પણ શંકાસ્પદ દર્દીઓના નમૂનાની તપાસ શરૂ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં લીકવીડ ઓક્સિજનની ક્ષમતા 3000 થી વધીને 41000 લીટર થઇ છે. કોરોનાની સંભવિત ચોથી લહેરના પગલે હોસ્પિટલ તંત્ર સજજ બન્યું છે. ટેસ્ટની સંખ્યા વધારાઇ નથી પણ શંકાસ્પદ દર્દીઓના નમૂનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે.જામનગરમાં કોરોનાની ત્રણ લહેરમાં જી.જી.હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતા મસમોટું વેઇટીંગ જોવા મળ્યું હતું. કોરોનાની પ્રથમ લહેરમાં જી.જી.હોસ્પિટલમાં લીકવીડ ઓક્સિજનની ક્ષમતા ફકત 3000 લીટર હતી.

તંત્ર વધુ એક વખત મહામારીનો સામનો કરવા સજજ બન્યું
​​​​​​​પરંતુ કોરોનામાં ઓક્સિજન ખૂબજ અનિવાર્ય હોવા છતાં બીજી અને ત્રીજી લહેરમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો ન હોય દર્દીઓને પારવાર હાલાકી પડી હતી. પરંતુ કોરોનાકાળ દરમ્યાન ઓક્સિજનની નવી ટેન્કો જી.જી.હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી છે. આથી હાલમાં જી.જી.માં લીકવીડ ઓક્સિજનની ક્ષમતા 41000 લીટર પર પહોંચી છે. હાલારમાં કોરોનાની સંભવિત ચોથી લહેરના પડઘમ વચ્ચે હોસ્પિટલ તંત્ર વધુ એક વખત મહામારીનો સામનો કરવા સજજ બન્યું છે. હાલમાં હોસ્પિટલમાં ટેસ્ટની સંખ્યા વધારાઇ નથી પરંતુ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી રહી હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે.

સારવાર માટે તબીબ સહિત 800 કર્મચારીઓનો સ્ટાફ
જામનગરમાં કોરોનાના મહામારીની સંભવિત ચોથી લહેરના પગલે હોસ્પિટલ તંત્ર સજજ બન્યું છે. ત્યારે કોરોનાની સારવાર માટે મેડીસીન વિભાગના 60, એનેસ્થેસિયાના 50, પીડીયાટ્રીકના 40 તબીબો, 300 રેસીડન્ટ ડોકટર, નર્સ, બ્રધર સહિતનો 800 કર્મચારીઓનો સ્ટાફ સારવાર માટે ઉપલબ્ધ રહેશે. આશા રાખીએ કે, આ મહામારી ફરીથી હાલાર કે ગુજરાતમાં પગપેસારો ન કરે.

ઓક્સિજનની સુવિધા 2000 બેડમાં ઉપલબ્ધ
જામનગરની જી.જી.હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં 800 ઉપરાંત આજુબાજુની ઇમારત મળી કુલ 2000 બેડમાં લીકવીડ ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. આથી કોરોના મહામારીમાં દર્દીઓને સુચારૂં રીતે અને સરળતાથી ઓક્સિજનની સુવિધા મળી રહેશે. કોરોનાની સંભવિત ચોથી લહેરના પગલે પહેલાની જેમ પથારી પણ આરક્ષિત રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...