કીટ વિતરણનો કાર્યક્રમ:જામનગરના 60 આંગણવાડી કાર્યકર અને 53 તેડાગર બહેનોને નિમણુંક પત્ર એનાયત કરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિમંત્રીએ કહ્યું... છેવાડાના અને કુપોષિત બાળકો માટે આંગણવાડી બહેનો માતાની ભૂમિકા અદા કરી રહી છે
  • આંગણવાડી બહેનોએ કોરોનાકાળમાં જીવને હથેળીમાં લઇ કરેલી દર્દી નારાયણની સેવાએ કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ

જામનગર જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને નિમણુંક પત્રો એનાયત કરવાનું તથા જિલ્લા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી અતિ કુપોષિત બાળકો માટે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ટાઉહોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 60 આંગણવાડી કાર્યકર તેમજ 53 તેડાગર બહેનોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાની 888 જેટલી આંગણવાડીના માધ્યમથી આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો નવજાત શિશુઓ, સગર્ભાઓ તેમજ ધાત્રી માતાઓની આરોગ્ય વિષયક કાળજી લઇ છેવાડાના તેમજ કુપોષિત બાળકો માટે માતાની ભૂમિકા અદા કરી રહી છે. કોરોના કાળમાં પણ જીવને હથેળીમાં લઇ આ બહેનોએ દર્દી નારાયણની સેવા કરી કર્તવ્ય નિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નવજાત શિશુઓ સશક્ત બને તેમજ સમાજ કુપોષણમુક્ત બને તે માટે સરકારે જિલ્લા અને બાલ કલ્યાણ વિભાગની રચના કરી કુપોષણમુક્ત ભારતની દિશામાં નક્કર પગલાં ભર્યા છે. જન્મથી જ બાળકના પોષણની તમામ વ્યવસ્થાઓ સરકાર કરી રહી છે. તેમ જણાવી સરકાર તેમજ આઈ.સી.ડી.એસ.દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારીએ માતા અને બાળક બંને તંદુરસ્ત રહે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે માટે, આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોની કામગીરીની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલે મહાનુભાવોને આવકારી સ્વાગત કર્યું હતું.ત્યારે આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરે કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ બોરસદીયા, મહિલા અને બાલ કલ્યાણ સમિતિના ચેરમેન હર્ષદીપભાઈ સુતરીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન ગાગીયાભાઈ, સી.ડી.એચ.ઓ ભારતીબેન, કાર્યપાલક ઇજનેર છૈયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...