તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યાં ભણ્યાં ત્યાં જ શિક્ષિકા બન્યા:શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત જામનગરના ટીચર કહે છે, મેં એવોર્ડ માટે ક્યારેય કામ નથી કર્યું, હું બાળકો માટે કામ કરું છું

જામનગર12 દિવસ પહેલાલેખક: હિરેન હિરપરા
  • બાળકોને ફળિયા શિક્ષણની પણ શરૂઆત કરાવી
  • શાળા નંબર 21 માં છેલ્લા દસ વર્ષથી શિક્ષિકા તરીકેની બજાવી રહ્યા છે ફરજ
  • આ વર્ષે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી કરવામાં આવી રહ્યા છે સન્માનીત

આજે શિક્ષક દિવસ છે. ત્યારે આવો જામનગરના એક એવા શિક્ષકને મળીએ કે જેઓએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો, તે શાળામાં જ તેઓએ બાળકોને શિક્ષણ આપ્યું છે. આ શિક્ષક છે પ્રતિબેન જેઓ હાલ શાળા નંબર 21 માં છેલ્લા દસ વર્ષથી શિક્ષિકા તરીકેની ફરજ બજાવી રહ્યા છે. શિક્ષક બનવાનું તેઓનું નાનપણથી જ સ્વપ્ન હતું. તેમની માતા તેમના માટે રોલ મોડેલ રહ્યાં છે.

આ તકે તેઓએ જણાવ્યું કે, શાળા નંબર 46માં 22 વર્ષ પહેલા નોકરીની શરુઆત કરી ત્યારબાદ શાળા નંબર 5માં ફરજ બજાવી, કારણ કે મેં મારું પ્રાથમિક શિક્ષણ શાળા નંબર 5 માં મેળવ્યું હતું, જેથી ખૂબ જ ઈચ્છા હતી કે હું જ્યાં ભણી ત્યાં હું પણ ભણાવું. હાલમાં શાળા નંબર 21 માં ભાષા શિક્ષક તરીકેની ફરજ બજાવી રહી છું.

બાળકોને ઓનલાઈન શિક્ષણ આપ્યું
કોરોના કાળમાં શાળા બંધ હતી, પરંતુ શિક્ષણ નહીં. શાળાના બાળકોને સૌપ્રથમ google meetના માધ્યમથી શિક્ષણ આપવાની શરૂઆત કરી. જોકે, બધા બાળકો પાસે સ્માર્ટફોન ન હતા જેથી અભ્યાસના મટીરીયલની ઝેરોક્ષ આપતી. ઓનલાઈન ટેસ્ટ મોજમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયની ટેસ્ટનું નિર્માણ કરી વર્ગના whatsapp ગ્રુપમાં મુકતિ હતી.

બાળકો તંદુરસ્ત રહે સ્વસ્થ રહે તે માટે યોગ કરાવ્યાં
ત્યારબાદ સરકાર દ્વારા કોવિડ 19 ના નિયમો સાથે ફળિયા શિક્ષણ લેવાની છૂટ આપવામાં આવતા મેં પણ નિયમો સાથે ફળિયા શિક્ષણની શરૂઆત કરી. જેમાં વાલીની સંમતિથી બાળકો ભણવા આવતા. જ્યાં બાળકોની શિક્ષણ આપતી તેમજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરાવતી હતી. મેં વેકેશનમાં ઓનલાઈન વેકેશન વર્ગ પણ લીધો. જેમાં નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃત વિષય પર ભાર મૂકવામાં આવ્યો છે. તો બાળકોની સંભાષણ દ્વારા સંસ્કૃત શીખવ્યું સાથે બાળકો તંદુરસ્ત રહે સ્વસ્થ રહે તે માટે યોગ પણ કરાવ્યાં અને શીખવ્યાં હતા.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષા સુધીની સફર
તેઓએ વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા પ્રથમ ટોય ફેરમાં વિદ્યાર્થીઓની કૃતિ જિલ્લા કક્ષા સુધી તેમજ ઇનોવેટિવ ફેસ્ટિવલમાં રાજ્યકક્ષા સુધી અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં બે વખત રાજ્ય કક્ષા સુધીની સફર કરી છે. ત્યારે બાળકો માટે કામ કરવા માટે મારા સસરા દ્વારા કહેવાયેલા શબ્દો કાયમ મને બળ પૂરું પાડે છે." નોકરી સમજી ક્યારેય નોકરી ન કરીશ. ભગવાન બીજે ક્યાંય નથી આ બાળકોમાં જ છે." તે વાતને સાર્થક કરી છે.

ચાલુ વર્ષે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપાશે
જયારે સ્પર્ધાની તૈયારી કરાવવાની હોય રમત-ગમત પ્રેક્ટિસ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરાવવાની હોય તો તે માટે હંમેશા શાળા સમય બાદ જ તૈયારી કરાવું છું. ચાલુ વર્ષે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મને મળવા જઈ રહ્યો છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માનો ગુરુજનો માતા-પિતાનો વ્હાલા બાળકોનો સર્વે શિક્ષકોનો તેમજ સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.

મેં એવોર્ડ માટે ક્યારેય કામ નથી કર્યુંઃ શિક્ષિકા
જામનગરના આ શિક્ષિક જે સ્કૂલમાં અભ્યાસ કરતા તે સ્કૂલમાં બાળકોને શિક્ષણ આપ્યું અને હાલ પણ સરકારી શાળામાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ માટે તેઓની પસંદગી થઈ છે. આ તકે તેમણે જણાવ્યું કે, એવી રીતે જોઉં છું કે મેં એવોર્ડ માટે ક્યારેય કામ નથી કર્યું. હું બાળકો માટે કામ કરતી હતી અને ઘણા બધા શિક્ષક મિત્રોએ કહ્યું તમે આવું કામ કરો છો તો આવી રીતે ફાઈલ મૂકો ક્યારેક મને કહેતા કે બહુ સરસ કામ કરો છો ત્યારે મને આનંદ થાય છે.

મારી માતા મારા માટે રોલ મોડલ
નગર પ્રાથમિક શિક્ષણ સરકારી શાળા નંબર 5 માં શિક્ષણ મેળવ્યું હતું. મને નાનપણથી જ બાળકો સાથે ગમતું અને બાળકોને ભણાવવા ખુબ જ ગમે છે. હું શિક્ષક તરીકે જ કાર્ય કરીશ. મારી માતા બાલમંદિર ચલાવતી હતી. એટલે મારી માતા મારા માટે રોલ મોડલ હતી. મારી માતા જ્યારે બાળકોને ભણાવતા ત્યારે મને પણ એમ થાતુ કે હું પણ બાળકોને આવી રીતે ભણાવીશ. ત્યારે મારૂ શિક્ષક થવાનું જે સપનું હતું તે સાર્થક થયું છે.

પ્રીતિબેનના જીવનમાં આવ્યાં અનેક પડકાર
શિક્ષિકા પ્રતિબેનના જીવનમાં અનેક પડકારો આવ્યાં છે. તેમના જીવનમાં આવેલા પડકારો વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, જિંદગી પડકાર વગર હોતી જ નથી જ્યારે પડકારો ઘણા બધા કહી શકાય અમારુ બાળપણ મધ્યમ અને ગરીબ પરિસ્થિતિમાંથી આવેલું છે અમે જાતે જ કામ કરતા હતા. અમે 6 ભાઈ-બેહન છીએ અને અમે બધા તેમજ મમ્મી- પપ્પા છાપરા વાળી એક ઓરડી રહેતા હતા. જ્યા સખત સંઘર્ષ સાથે શિક્ષણ મેળવ્યું હતું. માતા-પિતાના સંસ્કારથી હું અહીં સુધી પહોંચી શકી છું.

એવોર્ડને લઈ તમામનો માન્યો આભાર
એવોર્ડ મળવાને લઈને તમને કેવો અનુભવ થાય છે તે વિશે તેઓએ જણાવ્યું કે, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળી રહ્યો છે, ત્યારે આનંદ અનુભવાય છે. આનંદની લાગણી થાય છે બસ આનંદ છે એ શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. પણ બધાની હદયપૂર્વક આભાર માનું છું.

અન્ય સમાચારો પણ છે...