વહિવટી તંત્ર સતત સંપર્કમાં:ઉત્તરાખંડના સોનપ્રયાગમાં લાલપુરનો પરિવાર ફસાયો, પાંચેય પરીજન સુરક્ષિત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેવા-જમવાની કોઇ તકલીફ ન હોવાની પરિવારની કેફીયત

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના પગલે અનેક ગુજરાતીઓ ફસાયા છે ત્યારે જામનગર જિલ્લાના લાલપુરના વતની એવા પાંચ સભ્યોનો પરિવાર પણ સોનપ્રયાગની એક હોટલમાં છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલા છે, જોકે, તેમને ખાવા-પીવા અને રહેવાની કોઇ તકલીફ ન હોય અને રસ્તા પણ ધીમે-ધીમે હવે ચાલુ થતા હોય તેઓ સકુંશળ હોવાની પરિવારજનોને માહિતી મળતા તેઓએ રાહતની લાગણી અનુભવી છે.

ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ અને તેના પગલે થયેલા ભૂસ્ખલનના કારણે ચારધામની યાત્રા રોકી દેવામાં આવી છે, ઠેર-ઠેર રસ્તાઓ અને હાઇવે બંધ થઇ ગયા છે, હજારો ગુજરાતીઓ ત્યાં ફસાય ગયા છે ત્યારે જામનગર જિલ્લાના લાલપુરના વતની અને ફર્નિચરનું કામ કરતા ઉમેશભાઇ કાન્તીલાલ મેસવાણીયા તથા તેમના પરીવારના દામીનીબેન સી. મેસવાણીયા, શોભનાબેન બી. કાપડી, મનીષકુમાર એન. દાણીધારીયા અને રાહી એમ. દાણીધારીયા નામના પાંચ લોકો ભારે વરસાદના પગલે ઉત્તરાખંડમાં ફસાય ગયા હતાં, તેઓ રૂદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠ તાલુકાના સોનપ્રયાગમાં આવેલી હેલીપેડ હોટલમાં રોકાયા છે.

બે દિવસના સતત વરસાદ બાદ હવે રસ્તા ખુલ્યા છે, સ્થાનિક તંત્ર દ્વાર તેમનો સંપર્ક કરવામાં આવ્યા હતો અને તેઓને ખાવા-પીવા અને રહેવામાં કોઇ તકલીફ ન હોવાનું જણાવ્યું હતું. તેઓ સહકુશળ હોવાની માહિતી મળતા જ તેમના પરીવારજનોમાં રાહતની લાગણી ફેલાઇ ગઇ હતી.

જામનગર તંત્ર દ્વારા હેલ્પ લાઇન જાહેર કરાઇ
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થીતિના અનુસંધાને જામનગર જિલ્લાનો કોઇ નાગરીક ઉત્તરાખંડ રાજયમાં ફસાયેલો હોય તો આ વ્યકિતના સગા-સંબંધીઓ, ટુર એજન્સીના સંચાલકો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના ફોન નં. (0288) 2553404 પર સંપર્ક કરવા કલેકટર તંત્રની યાદીમાં જણાવ્યું છે.

હવે વાતાવરણ સારૂ છે, અમે હોટલમાં જ છીએ…
છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે અમે સોનપ્રયાગમાં આવેલી હોટલમાં રોકાય ગયા છીએ અને ત્યાં જમવા-રહેવાની તકલીફ નથી, ઠંડી ઘણી પડી રહી છે, બપોર બાદ રસ્તા ખુલી ગયાછે અને તંત્ર દ્વારા પણ લોકોને જવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ અમો હજુ આજની રાત હોટલમાં રોકાયા છીએ અને બુધવારના નિકળશું.> ઉમેશભાઇ મેસવાણીયા, લાલપુર.

અન્ય સમાચારો પણ છે...