જામનગરમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાં હેઠળ સમાવિષ્ટ પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે આગામી 'ઉત્તરાયણ પર્વ'ને ધ્યાને રાખીને પતંગ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા.8જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાઇટ મેકિંગ વર્કશોપમાં 7 થી 14 વર્ષ વયજૂથમાં આવતા કુલ 22 બાળકોએ ભાગ લીધો હતો. સંગ્રહાલયના ક્યુરેટર ડો. ધીરજ ચૌધરી દ્વારા 'ઉત્તરાયણનું મહત્વ' આ વિષય પર રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી. તેમજ કુમારી સેજલબેન આશર દ્વારા બાળકોને વિવિધ પ્રકારના પતંગો બનાવતા તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં પતંગમાં વપરાતા જુદા-જુદા પ્રકારના પેપરો, પ્લાસ્ટિક, સ્ત્રો (પ્લાસ્ટિક સ્ટીક), બામ્બુ સ્ટિક વગેરેનો ઉપયોગ કરીને વેસ્ટ માંથી બેસ્ટ પતંગો તેમજ વિવિધ ભાત દર્શાવતા પતંગો બાળકો દ્વારા બનાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બાળકો દ્વારા પક્ષી, ઓરિજિમ પ્રિન્ટ અને સ્મોલ પતંગ પણ બનાવવામાં આવી હતી. બાળકોને માર્ગદર્શન સંગ્રહાલયના કર્મચારી પ્રીતિ પાંડેએ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાનારાધવ ઠુંગા અને નરેશભાઈ ગુજરીયાએ જહેમત ઉઠાવી હતી, તેમ ક્યૂરેટર ડો. ધીરજ વાય. ચૌધરી, પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.