લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ:જામનગરમાં કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના કાર્યક્રમમાં એટલા રૂપિયા ઊડ્યા કે ગણવાવાળા થાકી ગયા!

જામનગર23 દિવસ પહેલા
  • કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કાર્યક્રમમાં હાજરી આપી
  • ભાજપ, કૉંગ્રેસ અને NCPના નેતાઓ એકમંચ પર જોવા મળ્યા

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે હાલ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શહેરીજનોની સાથે રાજકીય આગેવાનો પણ કથાનું રસપાન કરવા પહોંચી રહ્યા છે. કથા સ્થળ પર ગુરુવારે રાત્રે યોજાયેલા લોકડાયરામાં હાર્દિક પટેલે હાજરી આપી હતી. NCPના કાંધલ જાડેજા, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે હાર્દિક પટેલે પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના ડાયરામાં એટલા રૂપિયા ઉડ્યા હતા કે ગણવા વાળી થાકી ગયા.

ભાજપ,કૉંગ્રેસ અને NCPના નેતાઓ એકમંચ પર
જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ગુરુવારે રાત્રે યોજાયેલા લોકડાયરામાં એક જ મંચ પર ભાજપ, કૉંગ્રેસ અને NCPના નેતાઓ જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, એનસીપીના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા એક જ મંચ પર જોવા મળ્યા હતા. ત્રણેય પક્ષના નેતાઓ એકબીજા પર રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા.

લાખો રૂપિયા ઉડતા ચલણી નોટનો ઢગલો થયો!
કીર્તિદાન ગઢવી, કિંજલ દવે અને નિશા બારોટના લોકડાયરામાં યજમાન પરિવાર અને કાર્યક્રમ માણવા આવેલા મહેમાનોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. કલાકારોની સાથે સાથે નેતાઓ પર પણ 10 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીની ચલણી નોટનો રૂપિયાનો વરસાદ કરાયો હતો. કાર્યક્રમમાં એટલા રૂપિયા ઉડ્યા હતા કે જમીન પર ચલણી નોટનો ઢગલો થયો હતો. કાર્યક્રમ બાદ રૂપિયા ગણવાવાળા થાકી ગયા હતા.