મિત્રના હાથે જ મિત્રની હત્યા:પોલીસને બાતમી આપવા બાબતે થઇ હત્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબાેચી લીધો, મારૂ નામ કેમ લે છે ? તેમ કહી ડખ્ખો કર્યો
  • ​​​​​​​મોરકંડામાં થયેલી હત્યામાં મિત્રના હાથે જ મિત્રની હત્યા થઇ, કોશ માથામાં ઝીંકી ઢીમ ઢાળી દેવાયું

જામનગર નજીક મોરકંડા ગામમાં રાત્રિના સમયે એક યુવાનની હત્યા નિપજવાયાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. સામાન્ય બોલાચાલીમાં બે મિત્રો વચ્ચે પોલીસને બાતમી આપવા જેવી બાબતે ડખ્ખો થયા પછી માથામાં કોશ ના 6 જેટલા ઘા ઝીંકી દઈ એક યુવાનની હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવતા ભારે અરેરાટી ફેલાઈ હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ હત્યારા આરોપીને પકડી લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા સુરેશ ઉર્ફે ગડો દિલીપભાઈ સોલંકી નામના 24 વર્ષના યુવાન પર રાત્રિના પોણા નવેક વાગ્યાના અરસામાં મોરકંડા ધાર વિસ્તારમાં વેલનાથ ચોકમાં પોલીસને બાતમી આપવાના મામલે તકરાર કર્યા પછી તેજ વિસ્તારમાં રહેતા મિલન રમેશભાઈ સીતાપરા નામના શખ્સ દ્વારા હુમલો કરાયો હતો, અને માથામાં કોશ ના ઉપરા છાપરી 6 જેટલા ઘા ઝીંકી દેતાં મૃતક યુવાન લોહી લુહાણ થઈને ઘટના સ્થળે ફસડાઈ પડ્યો હતો, અને ભારે રક્તસ્ત્રાવ થઈ ગયા પછી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હુમલાખોર આરોપી ભાગી છૂટ્યો હતો.

સમગ્ર બનાવવાની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હુમલાખોર આરોપી મિલનની શોધખોળ ચલાવવામાં આવી હતી જેને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાન તેના મિત્ર સાથે બેસીને વેલનાથ ચોકમાં વાતચીત કરી રહ્યો હતો, અને ગામમાં વારંવાર પોલીસ આવે છે.

જે પોલીસને મિલન બાતમી આપે છે, તેવી વાત કરતો હોવાથી તેનો અન્ય મિત્ર એવો મિલન ત્યાં આવીને ઉશ્કેરાટમાં આવી ગયો હતો અને ’તું મારું નામ શું કામ લે છે’ તેમ કહીને ઘરમાંથી કોશ લઈ આવી જીવણ હુમલો કરી દીધાંનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પંચકોષી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. જે.ડી. પરમાર તેમજ સ્ટાફના દિગુભા જાડેજા સહિતની પોલીસ ટીમ દ્વારા મૃતક યુવાનના માતા મંજુબેન દિલીપભાઈ સોલંકી ની ફરિયાદના આધારે આરોપી મિલન સામે ગુનો નોંધ્યો છે અને તે ગુનામાં તેની ધરપકડ કરી લઈ વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવને લઈને ભારેચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...